ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં આશરે 25 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના નેતાને અધ્યક્ષ બનાવવા માટે 17 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં આશરે 96 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસ અધ્યક્ષપદ ચૂંટણીમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર આમને સામને છે. પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત 19 ઓક્ટોબરે કરાશે.
પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સત્તાના અધ્યક્ષે મતદાન સમાપ્ત થયા પછી જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં એકંદરે મતદાન લગભગ 96 ટકા હતું અને નાના રાજ્યોમાં તે લગભગ 100 ટકા હતું.
પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીમાં એઆઈસીસીની હેડઓફિસ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. જ્યારે રાહુલ ગાંધીએ કર્ણાટકના સંગનાકલ્લૂમાં ભારત જોડો યાત્રા શિબિરમાં લગભગ 40 અન્ય પદયાત્રીઓ સાથે મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 9000થી વધુ પ્રદેશ કોંગ્રેસ કમિટી(પીસીસી)ના પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન કર્યું હતું.
દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય અને દેશભરમાં 65થી વધુ કેન્દ્રો પર મતદાન થયું હતું. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે મલ્લિકાર્જુન ખડગેને ગાંધી પરિવારના નજીકના અને વરિષ્ઠ નેતાઓનું સમર્થન હોવાના લીધે પ્રમુખ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હરિફ ઉમેદવાર શશી થરૂર સ્વયંને પરિવર્તનના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે.
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે તમામ રાજ્યોના ડેલીગેટોએ પોત-પોતાના મતદાન કેન્દ્ર પર સવારે 10 થી સાંજના છ કલાક વચ્ચે પોતાના પસંદગીના ઉમેદવારને ‘ટીક’ ચિહ્ન સાથે મતદાન કરવાનું રહેશે.
કોઈ પણ એઆઈસીસી મહામંત્રી, રાજ્યના પ્રભારીઓ, મંત્રીઓ અને સંયુક્ત મંત્રીઓને તેમને ફાળવેલા રાજયમાં વોટ આપવાની મંજૂરી આપવામાં આવી નથી. મતદાન બાદ સીલબંદ પેટીને દિલ્હી સ્થિત એઆઈસીસી હેડઓફિસના સ્ટ્રોંગરુમમાં લઈ જવાઈ હતી. કોંગ્રેસના 137ના વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી છઠ્ઠી વાર થઈ રહી છે.આ પહેલાં અધ્યક્ષ પદની ચૂંટણી 2000માં થઈ હતી, ત્યારે જિતેન્દ્રપ્રસાદને સોનિયા ગાંધી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રચાર દરમિયાન ભલે થરૂરે પ્રદેશના પાર્ટી નેતાઓને ભેદભાવયુક્ત વ્યવહાર કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ કહેવામાં આવી રહ્યું કે ગાંધી પરિવાર તટસ્થ છે અને ગાંધી પરિવાર તરફથી સત્તાવાર કોઈ ઉમેદવાર નથી. ખડગેનું પ્રચાર દરમિયાન વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખ સહિતના સિનિયર નેતાઓ દ્વારા સ્વાગત કરાયું હતું, જ્યારે શશી થરુરનું પ્રચાર દરમિયાન પ્રદેશ ડેલીગેટો દ્વારા સ્વાગત કરાયું હતું.
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષપદની ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો તેઓ અધ્યક્ષ બનશે તો ગાંધી પરિવારની સલાહ અને સહકાર લેવામાં તેમને કોઈ શરમ નહીં આવે, કારણ કે એ પરિવારે સંઘર્ષ કર્યો છે પક્ષના વિકાસ માટે પોતાની તાકાત ઝીંકી છે. તે જ સમયે, ગાંધી પરિવારના ‘રિમોટ કંટ્રોલ’ પર ખડગેએ કહ્યું હતું કે વિરોધ પક્ષો પાસે કહેવા માટે કંઈ નથી, તેથી તેઓ આ પ્રકારની વાતો કરતા રહે છે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે સોમવારે યોજાનારી કોંગ્રેસના સર્વોચ્ચ પદ માટેની ચૂંટણીમાં તેઓ પ્રતિનિધિઓના ઉમેદવાર છે.