ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવાર (15 ઓક્ટોબર)એ એશિયા કપ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને સાતમી વખત આ ટ્રોફી જીતી હતી. ચમારી અટાપટ્ટુની આગેવાનીવાળી શ્રીલંકન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો અને ટીમ નિર્ધારીત 20 ઓવરમાં નવ વિકેટે 65 રન નોંધાવી શકી હતી.
આ મુકાબલો એકતરફી બની ગયો હતો. ભારતીય ટીમે આઠ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. એશિયા કપની આ આઠમી સિઝન હતી અને તેમાં ભારત સાતમી વખત ચેમ્પિયન બન્યું છે. સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી અને ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્લેયર ઓફ ધ મેચ રેણુકા સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલર્સ સામે શ્રીલંકન બેટર્સ ટકી શકી ન હતી. ટીમને ત્રીજી જ ઓવરમાં પ્રથમ ઝાટકો લાગ્યો હતો. સુકાની ચમારી અટાપટ્ટુ 6 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. ચોથી ઓવરમાં શ્રીલંકાને ત્રણ બોલ પર ત્રણ ઝાટકા લાગ્યા હતા. રેણુકા સિંહને બે વિકેટ મળી હતી. જ્યારે એક બેટર રન આઉટ થઈ હતી. 43 રનના સ્કોર પર ટીમે નવ વિકેટ ગુમાવી દીધી હતી. રાનાવીરા અને અચિતિએ 22 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. રાનાવીરાએ ટીમ માટે સૌથી વધુ 18 રન નોંધાવ્યા હતા.
66 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને વધારે મહેનત પડી ન હતી. ઓપનર સ્મૃતિ મંધાનાએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે પ્રથમ વિકેટ માટે શેફાલી વર્મા (5 રન) સાથે 32 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમિમા રોડ્રિગ્સ બે રન નોંધાવીને આઉટ થઈ હતી. જોકે, સામે છે ડે મંધાનાએ આક્રમક બેટિંગ યથાવત રાખી હતી. તેણે નવમી ઓવરમાં સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. મંઘાનાએ 25 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 51 રન નોંધાવ્યા હતા. સુકાની હરમનપ્રીત કૌર 11 રન નોંધાવીને અણનમ રહી હતી. ભારતને ગત એશિયા કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ભારતીય ટીમ પ્રત્યેક વખતે ચેમ્પિયન રહી છે.