વિશ્વના 121 દેશોના ગ્લોબલ હંગર ઈન્ડેક્સ-2022માં ભારતનું સ્થાન 101થી કથળીને 107 થયું છે. હવે આ ઈન્ડેક્સમાં પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા પણ ભારતથી સારી સ્થિતિમાં આવી ગયા છે. જોકે ભારતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022ના અહેવાલને ક્ષતિયુક્ત અને દેશની છબીને ખરડવાના યોજનાબદ્ધ પ્રયાસ ગણાવી ફગાવી દીધો હતો.

વિશ્વમાં ભૂખ અને કુપોષણ પર નજર રાખનાર ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ પર શનિવાર (15 ઓક્ટોબર)એ આ અપડેટ હતી. ચીન, તુર્કી અને કુવૈત સહિત 17 દેશોએ પાંચથી ઓછો જીએચઆઈ સ્કોરની સાથે ટોપ સ્થાન હાંસલ કર્યું છે.

આયરિશ સહાયતા એજન્સી કંસર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંગઠન વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાના સ્તરને ગંભીર ગણાવ્યું છે.

વર્ષ 2021માં ભારત 116 દેશોની યાદીમાં 101મા સ્થાન પર હતું, પરંતુ આ વખતે 121 દેશોની યાદીમાં ભારત છ અંકના પછડાટ સાથે 107મા સ્થાને પહોંચ્યું છે. આ સાથે ભારતનો જીએચઆઈ સ્કોર પણ ગબડ્યો છે. 2002માં આ સ્કોર 38.8 હતો, જે 2014 અને 2022ની વચ્ચે 28.2 – 29.1ની વચ્ચે પહોંચી ગયો છે.

આ વર્ષના ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મુજબ શ્રીલંકા 64, નેપાળ 81, બાંગ્લાદેશ 84 અને પાકિસ્તાન 99મા ક્રમે છે. દક્ષિણ એશિયામાં ફક્ત અફઘાનિસ્તાન જ ભારતથી પાછળ છે. અફઘાનિસ્તાન આ ઈન્ડેક્સમાં 109મા નંબર પર છે. નોધવા જેવી બાબત એ છે કે આ ઈન્ડેક્સમાં સુદાન, ઇથોપિયા, રવાન્ડા, નાઇજીરિયા, કેન્યા, ગામ્બિયા, નામીબિયા, કંબોડિયા, મ્યાનમાર, ઘાના, ઇરાક, વિયેટનામ, લેબનાન, ગુયાના, યુક્રેન અને જમૈકા જેવા દેશ ભારતથી ખૂબ ઉપર છે.

ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અહેવાલ ખામીયુક્ત છે અને તે તૈયાર કરવાની પદ્ધતિ પણ અયોગ્ય છે. ઈન્ડેક્સની ગણતરી માટે આવરી લેવાયેલા ચાર પૈકીના ત્રણ સૂચકાંકો બાળકોના આરોગ્ય સાથે સંબંધિત છે, જેને સમગ્ર વસતિ પર લાગુ ના પાડી શકાય.

LEAVE A REPLY