જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટ કિલિંગની ઘટના બની છે. શનિવારે (15 ઓક્ટોબર)એ શોપિયાં જિલ્લામાં કાશ્મીરી પંડિત પૂરણ ક્રિષ્ન ભટની ત્રાસવાદીઓએ ગોળી મારીને ઘાતકી હત્યા કરી હતી. કાશ્મીર ફ્રીડમ ફાઇટર (KFF) નામના એક આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી, એમ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુજીત કુમારે જણાવ્યું હતું
પંડિતની હત્યાને પગલે તંગદિલીમાં વધારો થયો હતો. જમ્મુમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. દેખાવકારોએ ન્યાયની માગણી કરી હતી. સેંકડો કાશ્મીરી પંડિતોએ તેમના સમુદાયના સભ્યોના ટાર્ગેટ કિલિંગના વિરોધમાં ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા અને તેનાથી જમ્મુ-અખનૂર રોડ બ્લોક થઈ ગયો હતો. કાશ્મીર પંડિતના ટાર્ગેટ કિલિંગના ન્યૂઝ આવતાની સાથે દેખાવકારોએ મુખ્ય માર્ગ તરફ કૂચ કરી અને હાઇવેને બ્લોક કરી દીધો હતી તથા આતંકવાદીઓ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.
ભટ પર દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં તેમના ઘર નજીક હુમલો કરાયો હતો. તેમને શોપિયાંની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. સુરક્ષા અધિકારીઓએ હુમલાખોરને શોધી કાઢવા માટે છાપેમારી ચાલુ કરી હતી. આ ઘટના પછી પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. ત્રાસવાદીઓએ આ વર્ષે 12થી વધુ લોકોનું ટાર્ગેટ કિલિંગ કર્યું છે. ત્રાસવાદીઓ મોટાભાગે પરપ્રાંતિય મજૂરો, કાશ્મીરી પંડિતો અને પંચાયત સભ્યો પર આવા હુમલા કરે છે.
ખીણમાં ગયા વર્ષેના ઓક્ટોબરથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ જોવા મળી છે. પરપ્રાંતિય કામદારો સહિત કેટલાય હિંદુઓની હત્યા કરવામાં આવી છે.
આઈજીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક આતંકીએ ભટ પર ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં માટે સુરક્ષા વ્યવસ્થા છે. અમે ઉણપોની તપાસ કરી રહ્યાં છે. તેઓ સ્કૂટર પર બહાર ગયા હતા અને હુમલાના થોડા સમય ઘરે પાછા આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને રાજકીય નેતાઓએ હત્યાની નિંદા કરી હતી. સિંહાએ ટ્વીટ કર્યું હતું કે “શોપિયામાં આતંકવાદીઓ દ્વારા પૂરણ ક્રિષ્ન ભટ પર હુમલો એ કાયરતાનું ઘૃણાસ્પદ કૃત્ય છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના છે. હું લોકોને ખાતરી આપું છું કે ગુનેગારો અને આતંકવાદીઓને મદદ કરનારા અને પ્રોત્સાહન આપનારાઓને સખત સજા કરવામાં આવશે,” નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ હુમલાની ટીકા કરી હતી.