ભારત સરકારે ડીઝલ અને વિમાનના ઇંધણની નિકાસ પરના વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં શનિવારે વધારો કર્યો છે. ડીઝલની નિકાસ પરના આ ટેક્સને વધારી લીટર દીઠ રૂ.12 અને વિમાનના ઇંધણની નિકાસ પરના આ ટેક્સને વધારીને લીટર રૂ.3.50 કરવામાં આવ્યો છે. નવા વિન્ડફોલ ટેક્સનો અમલ 16 ઓક્ટોબરથી થશે.
દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરના ટેક્સને પણ ટન દીઠ રૂ.3,000નો વધારીને રૂ.11,000 કરવામાં આવ્યો છે.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડાને પગલે સતત બે પખવાડિયા માટે ટેક્સના દરમાં ઘટાડો કર્યા પછી નાણા મંત્રાલયે તેની નવી સમીક્ષામાં ક્રૂડ ઓઇલ, ડીઝલ અને એટીએફ પરના નિકાસ ટેક્સમાં વધારો કર્યો છે.
નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સાતમા પખવાડિયાની સમીક્ષામાં સરકારે ડીઝલની નિકાસ પરનો વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ પ્રતિ લિટર રૂ.6.5 વધારીને પ્રતિ લિટર રૂ.12 કર્યો છે અને એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) નિકાસ પરનો ટેક્સ પ્રતિ લિટર રૂ.3.50 કર્યો છે, જે અગાઉ શૂન્ય હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રોસનેફ્ટ સ્થિત નયારા એનર્જી જેવી ખાનગી રિફાઇનરી કંપનીઓ ડીઝલ અને
એટીએફ જેવા ઇંધણની મુખ્ય નિકાસકારો છે. બીજી તરફ ડોમેસ્ટિક ક્રૂડનો વિન્ડફોલ ટેક્સ સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને વેદાંત જેવી કંપનીઓને ટાર્ગેટ કરે છે.
ભારતે સૌપ્રથમ પહેલી જુલાઈએ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદ્યો હતો. પરંતુ આ પછીથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હતા. તેના કારણે ક્રૂડ ઉત્પાદકો અને રિફાઈનર્સ બંનેના નફાના માર્જિનમાં ઘટાડો થયો છે. એનર્જી કંપનીઓના સુપર નોર્મલ નફા પર વિશ્વભરના ઘણા દેશોએ આવો વિન્ડફોલ ટેકસ લાદ્યો છે.