યુક્રેનમાં સંઘર્ષવિરામ માટે શાંતિપૂર્ણ મંત્રણાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધ અંગે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિનની પ્રતિક્રિયા આવી છે. પુતિને જણાવ્યું હતું કે ભારત અને ચીને યુક્રેનમાં “શાંતિપૂર્ણ વાતચીત”નું સમર્થન કર્યું હતું. ગયા મહિને ઉઝબેકિસ્તાનમાં શિખર બેઠકમાં વડાપ્રધાન મોદી અને રશિયાના પ્રેસિડન્ટ શી જિનપિંગ આ યુક્રેન યુદ્ધ અંગે પુતિનથી અલગ અભિપ્રાય ધરાવતા હોવાની છાપ ઊભી થઈ હતી.
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં પુતિને જણાવ્યું હતું કે યુક્રેન વાટાઘાટો માટે તૈયાર નથી અને કેદીઓના એક્સ્ચેન્જમાં મધ્યસ્થી ભૂમિકા માટે તુર્કીના પ્રેસિડન્ટ તૈયપ એર્દોગનનો આભાર માન્યો હતો.
રોઇટર્સે પુતિનને ટાંકીને જણાવ્યું હતું કે “ભારત અને ચીન હંમેશા મંત્રણા કરવાની અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની જરૂરિયાત દર્શાવે છે., અમે તેમનું વલણ જાણીએ છીએ. આ દેશો અમારા નજીકના સાથીદારો, ભાગીદારો છે અને અમે તેમના વલણનું સન્માન કરીએ છીએ. પરંતુ અમે કિવનું વલણ પણ જાણીએ છીએ – તેઓ કહેતા રહે છે કે તેઓ વાટાઘાટો ઇચ્છે છે અને એવું લાગે છે કે તેઓએ તે માટે મંત્રણાનો હાથ લંબાવ્યો હતો, પરંતુ હવે યુક્રેને એક સત્તાવાર નિર્ણય લીધો છે જે વાટાઘાટોને પ્રતિબંધિત કરે છે.”
સપ્ટેમ્બરમાં સમરકંદમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીએ રશિયન નેતાને કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી. મોદીની આ ટિપ્પણીઓને વિશ્વ નેતાઓના એક વર્ગે જાહેર ઠપકો તરીકે માની હતી. મોદીએ પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં દુશ્મનાવટને વહેલાસર સમાપ્ત કરવાની હાકલ કરી હતી.