ભારતના ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો પર વિધાનસભાની સામાન્ય ચૂંટણી 12 નવેમ્બરે અને મત ગણતરી આઠ ડિસેમ્બરે યોજવાની જાહેરાત શુક્રવારે કરી છે.
આ સમયે ગુજરાતમાં પણ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની મુદત ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ પૂરી થવાની છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાતો કરતા હવે ગુજરાતમાં ક્યારે ચૂંટણી યોજાશે? તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે. સૂત્રો કહે છે કે, ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી ચૂંટણીની તારીખો જાહેર કરાશે અને નવેમ્બરના અંતમાં ચૂંટણી યોજીને હિમાચલ પ્રદેશની સાથોસાથ આઠ ડિસેમ્બરે જ ગુજરાતમાં પણ મત ગણતરીની પ્રક્રિયા પૂરી કરી શકાય. પરંતુ ચૂંટણી પંચના સૂત્રો એમ કહે છે કે, ગુજરાતમાં પણ 182 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. જેની સત્તાવાર જાહેરાત એક નવેમ્બરે થાય અને ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં મતદાન તથા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મત ગણતરી થઈ શકે છે. ચૂંટણીની તારીખો અંગેના વિવિધ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં 16થી 20 ઓક્ટોબર સુધી કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનર તથા તેમની ટીમ ગુજરાત મુલાકાતે આવશે. તે દરમ્યાન તેઓ અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર જેવા જિલ્લામાં રાજ્યના તમામ જિલ્લાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ફરિયાદો સાંભળશે, તમામ તૈયારીઓ બાબતે સંપૂર્ણ તૈયારીઓના પ્રમાણપત્ર મેળવ્યા પછી તેઓ રીપોર્ટ ચૂંટણી પંચને સુપરત કરશે પછી તારીખો જાહેર કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ૨૦થી ૨૨મી સુધી ડિફેન્સ એેક્સપો યોજાશે. ઓક્ટોબરના બાકીના દિવસો સરકારી પ્રાયોજિત કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પસાર થશે એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી સંભાવના છે. કેટલાક સૂત્રો દિવાળીના તહેવારો અર્થાત બેસતુ વર્ષ અને ભાઈબીજના તહેવારો બાદ તુરત જ જાહેરાત થાય તેવી શક્યતા જોઈ રહ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી પંચે આખરી મતદાર યાદી 10 ઓક્ટોબરે જાહેર કરી દીધી છે.

LEAVE A REPLY