પાકિસ્તાનના જામશોરો જિલ્લામાં 13 ઓક્ટોબરે 55 મુસાફરો સાથેની એક પેસેન્જર બસમાં આગ લાગવાથી આઠ બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને અન્ય 28 લોકો ઘાયલ થયા હતાં. એર કન્ડીશનીંગ સિસ્ટમમાં ખામીને કારણે બસ આગની ચપેટમાં આવી હતી, એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. પેસેન્જર બસ કરાચીથી દાદુ જિલ્લાના ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના નૂરિયાબાદ વિસ્તારમાં બની હતી.
પોલીસ, રેસ્ક્યૂ ટીમો અને ફાયરફાઇટર્સ સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. મૃતકો અને ઘાયલોને જામશોરોની લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં નવ મહિલાઓ અને આઠ બાળકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલના અધિકારીઓને આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા ઘાયલો ગંભીર રીતે દાઝી ગયા હતા.