અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન આગામી ૨૪ ઓકટોબરે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવણી કરવાની યોજના બનાવી રહ્યાં છે, જ્યારે તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરિડા સ્થિત માર-એ-લાગો રિસોર્ટ ખાતે ૨૧ ઓકટોબરે દીપોત્સવ ઉજવશે.
બાઇડેન અમેરિકામાં વસતા જાણીતા ભારતીય નાગરિકો અને તેમના વહીવટી તંત્રના સભ્યો સાથે દિવાળી ઉજવવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉજવણીમાં બાઇડનના જીવનસંગિની અને પ્રથમ અમેરિકી મહિલા જિલ બાઇડેન પણ જોડાશે. વ્હાઇટ હાઉસ ખાતે થનારી આ ઉજવણીનો કાર્યક્રમ હજી ઘડાઇ રહ્યો છે.
બીજી તરફ રિપબ્લિકન હિન્દુ કોએલિશન (આરએચસી)એ મંગળવારે જણાવ્યું કે દેશના ભૂતપૂર્વ-પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૧ ઓકટોબરે ઇન્ડિયન અમેરિકા કમ્યુનિટીના અગ્રણીઓ સાથે તેમના માર-એ- લાગો રિસોર્ટ ખાતે દીપોત્સવ ઉજવશે. ટ્રમ્પની ટીમ ચાર કલાકની આ ઉજવણીમાં આતશબાજીના કાર્યક્રમને સામેલ કરવાની શક્યતા પણ વિચારી રહી છે, એમ આરએચસીના શાલાભ કુમારે ઉમેર્યું હતું.