ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પછી ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાંથી બોલર દીપક ચહર પીઠની ઈજાના કારણે ટુર્નામેન્ટની બહાર થઈ ગયો છે. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુર ટીમ સાથે જોડાશે. દીપક ચહર ટી20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દીપક ચહરને ફિટ થવામાં થોડો સમય લાગશે. તેની પીઠની ઈજા ફરીથી ઊભી થઈ છે. તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરને ઓસ્ટ્રેલિયા મોકલ્યા છે. દીપક ચહર સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં રમ્યો હતો, પરંતુ તેની પીઠમાં ઈજા થઈ હતી અને તેના કારણે તેને વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો.
બુમરાહના સ્થાન માટે શમીની દાવેદારી મજબૂત છે. શમી અનુભવી ખેલાડી છે અને ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ પણ કરી ચૂક્યો છે. જ્યારે સિરાજે હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. જ્યારે શાર્દૂલ ઠાકુર ઓલ-રાઉન્ડર હોવાથી તે હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે કામ કરી શકે છે.