ભારતમાં પંજાબ નેશનલ બેન્કમાં રૂ.13,000 કરોડના કથિત કૌભાંડના કેસમાં ભાગેડૂ જાહેર થયેલા નીરવ મોદીએ લંડન જેલમાં તેના મનોચિકિત્સકોને કહ્યું છે કે જો ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો તેની હત્યા થશે અથવા તે આત્મહત્યા કરી લેશે, આમ કોઈપણ રીતે, તે ‘જેલમાં મૃત્યુ પામશે’. નીરવ (51) હાલમાં લંડન હાઈકોર્ટમાં તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના નીચલી કોર્ટના નિર્ણય સામે લડી રહ્યો છે.
51 વર્ષીય નીરવ મોદી હાલ લંડન હાઈકોર્ટમાં તેને ભારત પ્રત્યાર્પણ કરવાના નીચલી કોર્ટના નિર્ણય સામે લડી રહ્યો છે. વેન્ડ્સવર્થ જેલમાં તેના મનોચિકિત્સક પ્રોફેસર એન્ડ્રુ ફોરેસ્ટરે કોર્ટને જણાવ્યું હતું કે, તેને સ્વીકાર કર્યો હતો કે મુંબઈની આર્થર રોડ જેલની બેરેક 12માંથી તમામ લિગ્ચર પોઈન્ટ્સ દૂર કરવામાં આવશે, પરંતુ તે એવા કેટલાંક કેસ જાણ કે છે કે જેમાં કેટલાંક લોકો જેલમાં ડોર હેન્ડલ કે ટેપ સાથે લટકીને મૃત્યુ પામ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ભારતે તેની મુંબઈની આ જેલમાં રાખવાની યોજના બનાવી છે.
નીરવ મોદીએ તેના મનોચિકિત્સકોને કહ્યું હતું તેને પ્રત્યાર્પણના કિસ્સામાં માત્ર કટિંગ એન્ડ હેન્ગિંગના વિચારો આવે છે. તેને ભારતીય જેલમાં મૃત્યુ થવાની આશંકા છે. તેની બીમારી એટલી ગંભીર છે કે તેને બે વખત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તે જેલમાં આત્મહત્યા ન કરે એટલા માટે ચાર વખત વોચ રાખવામાં આવી છે. તે નિરર્થકતા, અર્થહીનતા અને નિરાશાની લાગણીઓથી પીડાઈ રહ્યો છે.
નીરવ મોદીના મનોચિકિત્સકે એવું પણ કહ્યું કે, તેને ચિંતા છે કે ભારતમાં તેની હત્યા થઈ શકે છે. આ મનોચિકિત્સકે નિરવ મોદીને મોડરેટ ડિપ્રેશન હોવાનું નિદાન કર્યુ છે. મનોચિકિત્સકના જણાવ્યા મુજબ, હાલ તે આત્મહત્યાનું જોખમ ધરાવી રહ્યો છે. જો પ્રત્યાર્પણ કરવામાં આવ્યું તો આત્મહત્યા સહિતની સંભાવના છે. હતાશા અને પરિવારથી દૂર હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નિરવ મોદીએ એ પણ ધ્યાન દોર્યુ હતુ કે તેની માતાએ પોતાનો જીવ લીધો હતો.
મનોચિકિત્સક એન્ડ્રુ ફોરેસ્ટરે નીરવની જેલની સ્થિતિ અંગે ભારત સરકારના આશ્વાસનોની ટીકા કરતાં જણાવ્યું હતું કે ભારતની જેલમાં વ્યક્તિગત સંભાળની કોઇ યોજના નથી અને તેમણે ભારતીય જેલોમાં પોતાની જાતને હાનિ પહોંચાડવાને કેવી રીતે અટકાવી તે માટો કોઈ પ્રોટોકલ જોયો નથી.
પરંતુ ભારત સરકાર વતી પ્રતિનિધિત્વ કરી રહેલા હેલેમ માલ્કમ કેસીએ કોર્ટેને જણાવ્યું કે, નીરવ મોદીને ખાનગી મનોચિકિત્સકો મળશે. તે જેલમાં પોતાનો સેલ બીજા સાથે શેર કરી શકશે. ચોવીસ કલાકમાં ભારતમાં આગમન વખતે આ જોવામાં આવશે. નીરવ મોદીને દરરોજ તેના વકીલ સાથે મુલાકાત પણ કરાવવામાં આવશે. સાથે જ અઠવાડિયામાં એક વાર પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવશે.