મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન (પીએસ-1) બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. શનિવારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ.14-15 કરોડની કમાણી કરી વર્લ્ડવાઈડ રૂ. 355 કરોડની કુલ કમાણી કરી હોવાાનો અંદાજ છે. પોન્નિયિન સેલ્વને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના વર્લ્ડવાઈડ લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે જે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ હતી. કાશ્મીર ફાઈલ્સનું લાઈફટાઈમ કલેક્શન રૂ. 340 કરોડ હતું. ફિલ્મ રીલિઝ થયાના 9મા દિવસે એટલે કે, શનિવારે બોક્સ ઓફિસ પર કમાણીમાં 60% વધારો જોવા મળ્યો હતો.
ઐશ્વર્યા રાય, વિક્રમ ચિયાન અને ઘણા જાણીતા સ્ટાર્સની આ પીરિયડ ડ્રામા ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને તમિલનાડુમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. રિલીઝના નવમાં દિવસે પણ બોક્સ ઓફિસ પર પોન્નિયિન સેલ્વની રેકોર્ડ બ્રેક કમાણી ચાલું છે
પોન્નિયિન સેલ્વન ફિલ્મ તામિલ ભાષાની સૌથી મહાન કહેવાતી નવલકથા પર આધારિત છે. ફિલ્મ દક્ષિણ ભારતના શક્તિશાળી ચોલ સામ્રાજ્ય પર આધારિત છે. ફિલ્મ હિન્દીમાં પણ રિલિઝ કરાઈ છે અને તેમાં ઐશ્વર્યા રાય મહત્વના રોલમાં છે.
‘પોન્નિયિન સેલ્વન’ આ નામથી લખવામાં આવેલી નવલકથા પર આધારિત છે, જેને તમિલ રાઈટર કલ્કિ કૃષ્ણમૂર્તિએ લખી છે. ફિલ્મમાં ચોલ યોદ્ઘાનું પાત્ર રવિએ નિભાવ્યું છે. વિક્રમ પ્રિન્સ આદિત્ય, ઐશ્વર્યા રાય રાણી નંદિની અને કાર્તી આર્મિ કમાંડર વંતિયાતેવનના રોલમાં છે. ફિલ્મમાં ભવ્ય ચોલ સામ્રાજ્ય દેખાડવામાં આવ્યું છે. ફિલ્મ દક્ષિણ ભારતમાં લાંબા સમય સુધી રાજ કરનારા ચોલ સામ્રાજ્યની અસલી કહાણી પર આધારિત છે. ચોલનું સામ્રાજ્ય શાસન માત્ર ભારત પર જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં ચાલતું હતું.