પાકિસ્તાન ખાતેના અમેરિકાના રાજદૂL ડોનાલ્ડ બ્લોમે 2 ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે પીઓકેને મુલાકાત લીધી હતી (Photo BY MUSA AL SHAER/AFP via Getty Images)

અમેરિકાના પાકિસ્તાન ખાતેના રાજદૂતની પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ની મુલાકાતથી વિવાદ ઊભો થયો હતો. આ યાત્રાનો ભારતે શુક્રવારે સખત વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકાના રાજદૂતે આ મુલાકાત દરમિયાન પાકિસ્તાનના કબજા હેઠળ (પીઓકે)નો આઝાદ જમ્મુ અને કાશ્મીર (AJK) તરીકે વારંવાર ઉલ્લેખ કર્યો હતો. તેનાથી ભારત નારાજ થયું હતું.

અમેરિકાના રાજદૂL ડોનાલ્ડ બ્લોમે 2 ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે પીઓકેને મુલાકાત લીધી હતી. ઇસ્લામબાદમાં અમેરિકાના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાનો અને પીપલ-ટુ પીપલ સંબંધોને ઉજાગર કરવાનો હતો. આ નિવેદનમાં પીઓકેનો ઉલ્લેખ આઝાદ જમ્મુ અને કાશ્મીર તરીકે કરવામાં આવ્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ વિગતો આપ્યા વગર સાપ્તાહિક ન્યૂઝ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત યુએસ રાજદૂત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને બેઠકો સામે અમે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.

આ ગતિવિધિથી વાકેફ વ્યક્તિઓએ જણાવ્યું હતું કે રાજદૂત સહિતના અમેરિકાના પક્ષે આઝાદ જમ્મુ અને કાશ્મીરના કેટલાંક ઉલ્લેખોનો ભારત વિરોધ કરે છે.ભારતે અમેરિકાના અધિકારીઓની પીઓકેની આવી બીજા મુલાકાતોની પણ આલોચન કરી છે. એપ્રિલમાં નવી દિલ્હીએ યુએસ સાંસદ ઇલ્હાન ઓમરની પીઓકેની યાત્રાને નિંદનીય ગણાવી હતી. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલા વિસ્તારમાં મુસાફરી કરીને યુએસ સાંસદ ઓમરે ભારતની અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ ભારતે આક્ષેપ કર્યો હતો.યુએસ રાજદૂત બ્લોમ તેમની મુલાકાત દરમિયાન પીઓકેના વડાપ્રધાન તનવીર ઇલ્યાસ તથા શિક્ષણવિદો, બિઝનેસમેન તથા સાંસ્કૃતિક અને સામાજિક સંગઠનોની પ્રતિનિધિઓને મળ્યા હતા.

મુઝફ્ફરાબાદની મુલાકાત દરમિયાન બ્લોમ કાયદે આઝમ મેમોરિયલ ડાક બંગલો ગયા હતા અને ટ્વીટ કરીને લખ્યું હતું કે “કાયદે આઝમ મેમોરિયલ ડાક બંગલો પાકિસ્તાનના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિનું પ્રતિક છે અને 1944માં જિન્નાહે તેની પ્રખ્યાત મુલાકાત લીધી હતી. મને AJK પ્રથમ ટ્રીપ દરમિયાન મુલાકાતનું સન્માન મળ્યું છે. ”
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની યુએસ અધિકારીઓની આ બીજી હાઇ પ્રોફાઇલ મુલાકાત હતી.

એક બીજા સવાલના જવાબમાં બાગચીએ પાકિસ્તાનની જેલોમાં ભારતીય કેદીઓના મોતની સંખ્યામાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લાં નવ મહિનામાં છ કેદીઓના મોતને તેમણે એલાર્મિંગ ગણાવ્યું હતું.1994માં ભારતે એક ઠરાવ પસાર કરીને જણાવ્યું હતું કે પીઓકે ભારતનો અભિન્ન હિસ્સો છે અને પાકિસ્તાને ગેરકાયદે કબજા કરેલા વિસ્તારને ખાલી કરવો પડશે.

 

LEAVE A REPLY