REUTERS/Denis Balibouse

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારની સ્થિત અંગે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર કાઉન્સિલ (UNHRC)માં મતદાનમાં ભાગ ન લઇને ભારતે ચીનની પરોક્ષ મદદ કરી હતી. જોકે ભારતના આ વલણ અંગે ચીનને ચુપકીદી સેવી છે, પરંતુ આ પ્રાંતના ઉઇગર મુસ્લિમો સામેની કાર્યવાહીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ ત્રાસવાદ અને અલગતાવાદનો સામનો કરવાનો છે.

ગુરુવારે જિનિવામાં યુએનની માનવાધિકાર પરિષદની બેઠકમાં શિનજિયાંગના મુદ્દે ભારતે વોટિંગ કર્યું ન હતું અને પ્રથમ વાર આ સ્વાયત્ત વિસ્તારના લોકોના હકોના સન્માન અને ગેરંટીનો અનુરોધ કર્યો હતો. આના એક દિવસ પછી ચીને આ પ્રતિક્રિયા આપી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીની ટીપ્પણી અંગેના સવાલનો જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઉ નિંગે જણાવ્યું હતું કે મે સંબંધિત અહેવાલની નોંધ લીધી છે અને ભારપૂર્વક કહેવા માગું છું કે શિનજિંયાગ સંબંધિત મુદ્દા માનવાધિકાર સંબંધિત નથી, પરંતુ હિંસક ત્રાસવાદ, કટ્ટરવાદ અને અલગતાવાદનો સામનો કરવા સંબંધિત છે. સખત પ્રયાસોને કારણે શિનજિયાંગમાં સતત પાંચ વર્ષથી કોઈ હિંસક આતંકવાદી ઘટના બની નથી.
જોકે UNHRCની એક ઠરાવમાં મતદાન ન કરવાના ભારતના વલણ અંગે તેમણે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. UNHRCના ઠરાવમાં એવી માગણી કરાઈ હતી કે શિનજિયાંગમાં માનવ અધિકારોની સ્થિતિની ચિંતા અંગે ચર્ચાવિચારણા કરવામાં આવે.

UNHRCમાં ચીન વિરુદ્ધનો આ ઠરાવ પસાર થયો ન હતો, કારણ કે 47 સભ્યોની કાઉન્સિલમાં 17 સભ્યોએ તેની તરફેણ કરી હતી અને 19 સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત, બ્રાઝિલ, મેક્સિકો અને યુક્રેન સહિતના 11 દેશો મતદાનથી અળગા રહ્યાં હતા.

આ ઠરાવ કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, બ્રિટન અને અમેરિકાએ રજૂ સકર્યો હતો. નિરીક્ષકો માને છે કે આ મતદાનમાં ચીનનો આબાદ બચાવ થઈ ગયો હતો, કારણ કે 11 દેશોએ મતદાન કર્યું ન હતું.ભારતે શિનજિયાંગની સ્થિતિ અંગે શુક્રવારે પ્રથમ વખત ટીપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે આ સ્વાયત્ત વિસ્તારના લોકોના અધિકારોનું સન્માન થઈ જવું અને તેની ગેરંટી હોવી જોઇએ. વોટિંગથી દૂર રહેવા અંગે બાગચીએ જણાવ્યું હતું કે કોઇ દેશ સંબંધિત ઠરાવોમાં મતદાન ન કરવાની લાંબા ગાળાની પરંપરા મુજબનો ભારતનો નિર્ણય છે.

અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે શિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત વિસ્તારના લોકોના અધિકારોનું સન્માન થવું જોઇએ. અમને આશા છે કે સંબંધિત પાર્ટી નિષ્પક્ષ રીતે અને યોગ્ય રીતે આ મુદ્દાનો ઉકેલ લાવશે. પૂર્વ લડાખમાં ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ વચ્ચે ભારતે આ ટીપ્પણી કરી છે. બાગચીએ જણાવ્યું હતું કે માનવાધિકાર અંગેના યુએન ઓફિસના હાઇ કમિશનર દ્વારા શિનજિયાંગમાં માનવાધિકારની ચિંતા અંગેના એસેસમેન્ટની ભારતે નોંધ લીધી છે.

LEAVE A REPLY