પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયામાં 66 બાળકોના મોતથી માટે ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ કારણભૂત હોવાની વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ વ્યક્ત કરેલી પ્રાથમિક સંભાવનાને પગલે ભારતીય દવા નિયામકે આ મામલે સઘન તપાસ આદરી વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે વધુ વિગતો માગી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચેતાવણી આપી છે કે, બાળકોના મોત પાછળ ભારતમાં બનેલી ચાર ખાંસીની દવાઓ હોઇ શકે છે. આ કફ સિરપનું ઉત્પાદન હરિયાણાના સોનેપતની મેડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા કરાયું છે.
ગામ્બિયાએ ભારતીય ફાર્મા કંપનીની આ સીરપને પાછી ખેંચી લીધી હતી તથા ડોર ટુ ડોર અભિયાન ચાલુ કરીને આ પ્રોડક્ટ્સ એકઠી કરી હતી.સરકારના સૂત્રોના જણાવ્યાં અનુસાર, યુએનની આરોગ્ય સંસ્થા દ્વારા મૃત્યુ માટે જવાબદાર કારણોની સંપૂર્ણ વિગતો અથવા લેબલ અને ઉત્પાદનની વિગતો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ને ઉપલબ્ધ બનાવાઈ નથી, કે જેથી તે દવાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ થયું તેની પુષ્ટિ કરી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડબ્લ્યુએચઓએ 29 સપ્ટેમ્બરના રોજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને જાણ કરી હતી કે તે ગામ્બિયાને ટેક્નોલોજીકલ સહાય અને સલાહ પૂરી પાડે છે. તેમાં એ બાબત પર ભાર મુકાયો હતો કે આ તમામ મૃત્યુ માટે સૌથી વધુ જવાબદાર પરિબળ દવાઓનો ઉપયોગ હોઈ શકે છે જે ડાયઈથેલિન ગ્લાયકોલ /ઇથિલિન ગ્લાયકોલથી દુષિત થઈ હોવાની આશંકા છે. એટલું જ નહીં પરંતુ કેટલાંક નમૂનાઓમાં તેનું પ્રમાણ પણ મળી આવ્યું હતું. સીડીએસસીઓએ જણાવ્યું હતું કે તેણે માહિતી મળ્યાના દોઢ કલાકમાં ડબ્લ્યુએચઓને જવાબ આપ્યો હતો, જેમાં આ મામલો રાજ્ય નિયમનકારી ઓથોરિટી સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસની વિગતો અનુસાર મેઈડન ફાર્માસ્યુટિકલ લિમિટેડને રાજ્યના ડ્રગ કન્ટ્રોલર દ્વારા સંદર્ભ હેઠળના ઉત્પાદનો માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે, અને કંપની આ પ્રોડક્ટ્સ માટે ઉત્પાદનની મંજૂરી ધરાવે છે.