કોંગ્રેસના નેતા ઉદિત રાજે પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ અંગે વિવાદાસ્પદ ટ્વીટ કરીને કહ્યું હતું કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુજી જેવા પ્રેસિડન્ટ ન મળવા જોઈએ. ચમચાગીરીની પણ હદ હોય છે. તેઓ કહે છે કે 70% લોકો ગુજરાતનું નમક ખાય છે. ખુદ મીઠું ખાઈને જીવન જીવે તો ખબર પડે. અગાઉ કોંગ્રેસના નેતાએ પ્રેસિડન્ટને રાષ્ટ્રપત્ની કહ્યાં હતા અને પછી માફી માગી હતી.
આ વિવાદિત નિવેદનની ટીકા કરતાં ભાજપે કહ્યું હતું કે આ દર્શાવે છે કે કોંગ્રેસ કેવી રીતે આદિવાસીઓના વિરોધમાં ઊભી છે. ઉદિત રાજના ટ્વિટ પર રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ નોટિસ જારી કરી હતી. NCWએ તેમને તેમના નિવેદન બદલ માફી માંગવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ મુર્મુએ તાજેતરમાં તેમની ગાંધીનગર મુલાકાત દરમિયાન કહ્યું હતું કે દેશમાં 76 ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને એવું કહી શકાય કે રાજ્ય દ્વારા ઉત્પાદિત મીઠું તમામ ભારતીયો વાપરે છે. આ દરમિયાન ગુજરાત મોડલની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી ગુજરાતની પ્રગતિશીલ અને સર્વસમાવેશક સંસ્કૃતિના આદર્શ પ્રતિનિધિ છે.