આગામી સામાન્ય ચૂંટણી જીતવા માટે ચાવીરૂપ ભારતીય ડાયસ્પોરાને પોતાના પક્ષમાં લેવા ગત સપ્તાહે લિવરપૂલમાં યોજાયેલી યુકેની વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં લેબરના લીડર સર કેર સ્ટાર્મરે ઔપચારિક રીતે લેબર કન્વેન્શન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (LCIO)ને ફરીથી લોન્ચ કરી ભારત-યુકે સંબંધોને મજબૂત કરવાના તેના મિશનની પ્રશંસા કરી હતી. યુકેમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ કોન્ફરન્સ અને LCIO રિલોન્ચમાં હાજરી આપી હતી.
સ્ટાર્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “વિશ્વભરના લોકો ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરે છે, ત્યારે હું લેબર કન્વેન્શન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (LCIO)ની પુનઃસ્થાપનાનું સ્વાગત કરું છું. ખાસ કરીને યુકે અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે યુકેના ભારતીય ડાયસ્પોરા સાથે લેબર જે કામ કરે છે તે માટે મને ગર્વ છે. બ્રિટિશ ભારતીયો આપણી અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને રાજનીતિમાં મોટું યોગદાન આપે છે. હું આગામી લેબર સરકાર બનાવવાના અમારા મિશન પર LCIO સાથે કામ કરવાનું સ્વાગત કરીશ.”
યુકેના વિરોધ પક્ષ સાથે ભારતીય ડાયસ્પોરાના જોડાણને એક પ્રકારના વળાંક તરીકે જોવામાં આવે છે. ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીનની આગેવાની હેઠળ લેબરની વાર્ષિક કોન્ફરન્સમાં કાશ્મીર બાબતે અણગમતો ઠરાવ કરાતા ભારત અને યુકેમાં વસતા ભારતીયો રોષે ભરાયા હતા.
શ્રી સુજીત ઘોષે ઈવેન્ટ પછી ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે “અમે આ પહેલને આવકારીએ છીએ અને ભારત-યુકે સંબંધોને આગળ વધારવા માટે LCIO સાથે મળીને કામ કરવા આતુર છીએ.”
લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે ભારતીય ડાયસ્પોરાના સમૃદ્ધિ વિશે વાત કરી જણાવ્યું હતું કે, “મેં ઘણી વખત ભારતની મુલાકાત લીધી છે અને મહિલા જૂથોના સંગઠન અને તેઓ કેવી રીતે ગ્લોબલ વોર્મીંગનો સામનો કરી રહ્યા છે તેનાથી હું ખરેખર પ્રભાવિત થઈ છું.”
ભારતીય મૂળના સંસદ સભ્ય નવેન્દુ મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીઢ બ્રિટિશ ભારતીય સાંસદ વીરેન્દ્ર શર્મા, બેરી ગાર્ડિનર અને પૌલા બાર્કર અને LCIOની સ્ટીયરિંગ કમિટીના નીના ગિલ, ક્રિશ રાવલ, ડૉ. નિકિતા વેદ અને ગુરિન્દર સિંઘ જોસને પ્રવચન કર્યાં હતાં.
આ સંગઠનનો હેતુ બ્રિટિશ ભારતીયો અને લેબર પાર્ટી વચ્ચેના અંતરને સમાપ્ત કરવાનો, વેપાર કરાર દ્વારા બંને દેશો માટે સમાવિષ્ટ સસ્ટેઇનેબલ ગ્રોથને પ્રોત્સાહન આપવાનો; બ્રિટન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધોને ગાઢ બનાવવાનો; અને બ્રિટિશ ભારતીયો માટે ચિંતાના મુદ્દાઓ પર “ભાગીદાર અને નિર્ણાયક મિત્ર” તરીકે ભારત સાથે જોડાવાનો હતો.