UK approves Covid vaccine for children
પ્રતિક તસવીર (ANI Photo)

કોવિડ રોગચાળા પછી પહેલી વખત લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ પહેલા કરતા ઓછી છે ત્યારે આરોગ્ય ક્ષેત્રના વડાઓએ આ શિયાળામાં ફ્લૂ અને કોવિડના “ટ્વીન્ડેમિક”નું જોરદાર જોખમ હોવાથી ઇંગ્લેન્ડમાં વસતા 33 મિલિયન લોકોને ફ્લૂ અને કોવિડની ‘ટ્વીન્ડેમિક’ રસી લેવા વિનંતી કરી છે.

કોવિડ દરમિયાન લોકડાઉન પ્રતિબંધોએ અગાઉના બે શિયાળામાં ફ્લુનો ફેલાવો અટકાવ્યો હતો. પરંતુ આ વખતે તેમ ન હોવાથી આ શિયાળામાં પ્રથમ વખત કોવિડ અને ફ્લુના વાઇરસ એકસાથે વ્યાપક રીતે ફેલાવાની શક્યતા છે. તબીબો અપેક્ષા રાખે છે કે રાષ્ટ્ર ફલૂના ગંભીર આક્રમણનો સામનો કરશે.

ડેટા સૂચવે છે કે યુકેમાં કોવિડ ફરી શરૂ થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં કેસ 12 ટકા વધ્યા છે. જ્યારે હોસ્પિટલમાં કોવિડથી દાખલ થતા કેસ 17 ટકા વધ્યા છે. જેને કારણે NHS પર દબાણ વધી રહ્યું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ યુકેમાં ખાનગી ઘરોમાં 14 સપ્ટેમ્બરના અઠવાડિયામાં ખાનગી ઘરોમાં 927,900 લોકોને કોવિડ હતો. જે સંખ્યા એક સપ્તાહ પહેલા 881,200 હતો.

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વખતનો શિયાળો મુશ્કેલ હશે. તેઓ ખાસ કરીને ફલૂ વિશે ચિંતિત છે. કારણ કે આ વર્ષે H3N2નો પ્રબળ સ્ટ્રેઇન હશે જે વધુ ગંભીર બીમારીનું કારણ બને છે.

ઈંગ્લેન્ડમાં આ વર્ષે મફત ફ્લૂ રસી માટે પાત્ર 33 મિલિયન લોકોમાં 50 વર્ષથી વધુ વયના, પ્રાથમિક શાળાના બાળકો, બે અને ત્રણ વર્ષની વયના ટોડલર્સનો સમાવેશ થાય છે. જ્યારે લગભગ 26 મિલિયન લોકો ઇંગ્લેન્ડમાં કોવિડ માટેની ઓટમ બૂસ્ટર રસી માટે પાત્ર છે. જે લોકો બંને જૅબ માટે પાત્ર છે તેમને જીપી અથવા ફાર્માસિસ્ટ દ્વારા એક જ સમયે દરેક હાથમાં એક રસી આપવામાં આવી શકે છે.

NHS દરેકને કોવિડ વાઇરસના મૂળ સ્ટ્રેઇન અને ઓમિક્રોન વેરિઅન્ટને કાબુમાં રાખતી નવી બાયવેલેન્ટ કોવિડ જેબ્સ આપશે.

UKHSAના ચિફ મેડિકલ એડવાઇઝર ડૉ. સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે: “H3N2 ફ્લૂ સ્ટ્રેઇન ખાસ કરીને ગંભીર બીમારીનું કારણ બની શકે છે. જો તમે વૃદ્ધ અથવા સંવેદનશીલ હો, તો તમને વધુ જોખમ છે. H3N2 સ્ટ્રેઇનના કારણે 2017-2018માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં લગભગ 22,000થી વધુ મૃત્યુ થયા હતા.

LEAVE A REPLY