બળવો ટાળવા ધનિક લોકો પરના ટેક્સ કટ માટે યુ-ટર્ન લેતા પીએમ લિઝ ટ્રસ
યુકેના બજારની ઉથલપાથલ અને પોતાની જ કન્ઝર્વેટિવ પાર્ટીના અપેક્ષિત બળવાને ટાળવા માટે સૌથી ધનાઢ્ય લોકો પરના ટોચના ટેક્સ દર – 45 ટકામાં ઘટાડો કરવાની યોજનાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરીને લિઝ ટ્રસની આગેવાની હેઠળની સરકારે સોમવારે મોટો યુ-ટર્ન લીધો હતો. લીઝ ટ્રસની સરકારની ખરાબ આર્થિક નીતિઓને કારણે યુકેમાં મોંધવારી વધવાના, ડોલર સામે પાઉન્ડ નબળો પડવાના અને દેશના દેવામાં વધારો થવાના પગલે યુકેના હાલત શ્રીલંકા જેવી થશે તેવા અંદેશાઓ અને ભયને કારણે લીઝ ટ્રસ અને તેમની સરકાર સામે કોન્ઝર્વેટીવ પાર્ટીમાં જ મોટો વિરોધ ઉભો થયો છે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડને ગયા અઠવાડિયે સરકારી બોન્ડની માર્કેટમાં વેચવાલી રોકવા માટે ઈમરજન્સી ગિલ્ટ-બાઈંગ પ્રોગ્રામ સાથે પગલું ભરવાની ફરજ પડી હતી. ગિલ્ટની ઉપજમાં વધારો થતાં કેટલાક પેન્શન ફંડને પતનની ધાર પર આવી ગયાં હતાં.
હાઉસ ઓફ કોમન્સમાં સૂચિત ટોપ રેટ ટેક્સ ઘટાડવાના પગલાં સામે વોટ ગુમાવવાની ધમકી વચ્ચે વડા પ્રધાન લિઝ ટ્રસ અને ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગે આ યુ-ટર્ન લીધો હતો. ક્વાસી ક્વાર્ટેંગે આ વિવાદોને પગલે પોતાનું પદ છોડશે નહીં તેમ જણાવ્યું હતું. વડા પ્રધાનના સાથીઓએ કહ્યું હતું કે તેમણે ચાન્સેલરને માર્કેટ મેલ્ટડાઉનની ચેતવણી આપી હતી.
રવિવારથી બર્મિંગહામમાં યોજાઇ રહેલી પાર્ટી કોન્ફરન્સ પહેલા હોટલના સ્યુટમાં ચાન્સેલર અને વડા પ્રધાન વચ્ચે રવિવારની મોડી રાતની મીટિંગમાં આ બોમ્બશેલ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સત્તાવાર પુષ્ટિ સોમવારે સવારે 7.25 વાગ્યે કરવામાં આવી હતી. તે પછી તરત જ ઇન્ટરવ્યુનો રાઉન્ડ શરૂ થયો હતો. વડા પ્રધાન અને ચાન્સેલરે જાહેરાત કરી કે તેઓ હવેથી દર વર્ષે £150,000 કરતાં વધુ કમાનારા લોકોની આવક પર લેવામાં આવતો 45 ટકાનો આવક વેરો યથાવત રહેશે. મિનિ-બજેટમાં સૌથી ધનિક લોકોના આવક પરના ટેક્સનો દર ઘટાડવાની જાહેરાતનો અમલ આગામી એપ્રિલથી થવાનો હતો.
ટેક્સ રેટ યુટર્ન માટે સોમવારે સવારે ચાન્સેલર ક્વાર્ટેંગે તીવ્ર પૂછપરછ બાદ બીબીસીને કહ્યું હતું કે “આ એક વિશાળ વિક્ષેપ બની ગયું હતું. અમે ફક્ત લોકો સાથે વાત કરી, અમે લોકોની વાત સાંભળી હતી અને અમને સમજાયું છે. અમે વિકાસ યોજના પર 100 ટકા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હું 12 વર્ષથી સંસદમાં છું, ત્યાં ઘણી બધી નીતિઓ છે. સરકાર લોકોની વાત સાંભળે છે અને તેમણે તેમની યોજના બદલવાનો નિર્ણય કર્યો છે.”
ચાન્સેલરે દાવો કર્યો હતો કે ‘’કેબિનેટમાં મારા પદ પરના જોખમ તરીકે પોલિસી બદલવાના નિર્ણયને એટલી ગંભીરતાથી જોતો નથી. લોકો તેમના ખિસ્સામાં વધુ પૈસા મૂકે તે માટે ઓછા કર દ્વારા સમર્થિત આમૂલ વૃદ્ધિની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરેલ છે. મહત્વની બાબત એ છે કે અમે નિર્ણય લીધો છે અને હવે અમે વિકાસ યોજનાને આગળ ધપાવવા આગળ વધી શકીએ છીએ.”
તેમાં સૂર પૂરાવતા લીઝ ટ્રસે જણાવ્યું હતું કે “45 ટકાના ટેક્સ રેટની નાબૂદી એ બ્રિટનને આગળ વધવા માટેના અમારા મિશનમાં એક વિશાળ વિક્ષેપ બની ગઇ હતી. અમારું ધ્યાન હવે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા અર્થતંત્રના નિર્માણ પર છે જે વર્લ્ડક્લાસ જાહેર સેવાઓને ભંડોળ પૂરું પાડે છે, વેતનમાં વધારો કરે છે અને સમગ્ર દેશમાં તકોનું સર્જન કરે છે.”
ટોચના કરવેરા દર કરાયા બાદ બળવાખોર ટોરી નેતાઓએ ‘મિની-બજેટ’ પર વધુ યુ-ટર્નની માંગ કરી છે. ટોરી અગ્રણીઓ માઇકલ ગોવ અને ગ્રાન્ટ શૅપ્સે બળવાખોરોની નેતાગીરી લઇ ચેતવણી આપી હતી કે આ પગલું ‘મોટો વિક્ષેપ’ કરશે અને સામાન્ય મતદારો માટે રાજકીય રીતે ઝેરી હશે. જેને પગલે વિશાળ પરિવર્તન આવ્યું હતું. બળવાખોર રિંગલીડર માઈકલ ગોવે સૂચન કર્યું હતું કે તેઓ હજુ પણ એવી કોઈપણ યોજનાની સામે પાર્લામેન્ટમાં મત આપશે જેમાં બેનીફીટની વાસ્તવિક શરતોમાં ઘટાડો કરાશે. તો સામે ટોરી ચેરમેન જેક બેરીએ ચેતવણી આપી હતી કે બજેટના કોઈપણ પાસાની વિરુદ્ધ મતદાન કરનાર કન્ઝર્વેટિવ સાંસદોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. ગોવની દરમિયાનગીરીએ એવા વિવાદિત દાવાઓને વેગ મળ્યો છે કે તેઓ રિશી સુનક માટે આઉટરાઇડર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ટોરી લીડરશીપ રેસમાં મિસ ટ્રસ સામે સુનકને સમર્થન આપ્યું હતું.
સરકારે સૂચવેલો આ કર ઘટાડો અર્થતંત્ર અને યોગ્ય વૃદ્ધિ માટે “મોટો વિક્ષેપ” બની ગયો હતો. વૈશ્વિક નાણાકીય બજારોમાં ઉથલપાથલ થતા અને પાઉન્ડ ડોલર સામે સતત ગગડતા બેંક ઓફ ઈંગ્લેન્ડે દેશના પેન્શન ફંડને આગળ વધારવા માટે પગલું ભરવું પડ્યું હતું.
દેશના મોટા ભાગના લોકો મોંઘવારી, કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી અને વધતા ઘરગથ્થુ બિલો સાથે સંઘર્ષ કરી રહ્યા છે અને પોતાના પક્ષના વિવેચકોને ખોટો સંકેત જતો હોવા છતાં રવિવારે બીબીસીને આપેલી મુલાકાતમાં ટ્રસે આગ્રહ કર્યો હતો કે તેમની સરકાર સૌથી વધુ કમાણી કરનારાઓ પરના ટોચના ટેક્સ રેટને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
42 વર્ષ પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં બિનલોકપ્રિય નીતિના નિર્ણયો પર ટકી રહેવાના સંદર્ભમાં, ભૂતપૂર્વ ટોરી વડા પ્રધાન માર્ગારેટ થેચરે તે વખતે કહ્યું હતું કે “લેડીઝ નોટ ફોર ટર્નિંગ.” પોતાને માર્ગરેટ થેચર જેટલા જ મજબૂત માનતા ટ્રસને આ પીછેહઠથી મોટો ફટકો પડ્યો છે. હવે ટૂંક સમયમાં ટોરી નેતાઓ બર્મિંગહામમાં કોન્ઝર્વેટીવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સ શરૂ કરનાર છે ત્યારે નવા નેતા અને વડા પ્રધાન તરીકે લીઝ ટ્રસ સભ્યોને પોતાનું પ્રથમ સંબોધન કરનાર છે.’’
ઓપિનિયન પોલમાં ટોરીઝ સામે વિપક્ષી લેબર પાર્ટી ઐતિહાસિક લીડ સાથે આગળ વધી રહી છે ત્યારે બેકબેન્ચ સાંસદો દ્વારા સંસદમાં આ નીતિ પર મતદાન કરવામાં આવશે.
ટોરી પાર્ટીમાં વિખવાદ
- 70 જેટલા ટોરી સાંસદો સરકારની બજેટ પોલિસી વિરુદ્ધ મતદાન કરવાનું વિચારી રહ્યા છે.
- મીની-બજેટ યોજનાઓ વિશે વધુ પુનઃવિચારણા થઈ શકે છે અને તે માટે સાંસદો દ્વારા સરકાર પર દબાણ કરવામાં આવ્યું છે.
- ક્વાર્ટેંગે સોમવારે બપોરે કોન્ફરન્સમા આપવાના હતા તે ભાષણને ફરીથી લખવું પડ્યું હશે તે ચોક્કસ છે. તેમણે ‘માફ કરશો’ શબ્દનો ઉપયોગ કરવાનો પણ ઇનકાર કર્યો હતો, જો કે કહ્યું હતું કે ‘ત્યાં નમ્રતા અને પસ્તાવો છે… હું તેના માટે જવાબદારી લઉ છું.’
- પાઉન્ડ ડોલર સામે લગભગ એક સેન્ટ વધીને $1.12 થયો હતો, જોકે તે પછીથી ફરી નીચે ગયો હતો. 23 સપ્ટેમ્બરે મિની-બજેટની જાહેરાત કરાઇ ત્યારે પાઉન્ડ ડોલર સામે $1.03 ની સર્વકાલીન નીચી સપાટીએ ગયો હતો.
- ક્વાર્ટેંગે સ્વીકાર્યું હતું કે તેમણે બજેટ પહેલાની રાત્રે લંડનમાં બેન્કરો સાથે શેમ્પેઈન રિસેપ્શનમાં હાજરી આપવી જોઇતી નહોતી.
- ભૂતપૂર્વ પ્રધાન નાદિન ડોરીસે શ્રીમતી ટ્રસને 45 ટકા ટોપ ટેક્સ રેટના દરને રદ કરવાના નિર્ણય માટે જવાબદાર ગણાવી આરોપ મૂક્યો હતો કે તેમણે ક્વાર્ટેંગને ‘બસની નીચે’ ફેંકી દીધા હતા.
- રવિવારે રાત્રે ટોરી કોન્ફરન્સની બહાર ‘ટોરીઝ આઉટ’ બૂમો પાડતા વિરોધીઓ દ્વારા બે વરિષ્ઠ કન્ઝર્વેટિવ્સને ધક્કે ચઢાવાતા તેમને પોલીસ એસ્કોર્ટ્સની જરૂર પડી હતી.
- FTSE 100 ઇન્ડેક્સ પણ દબાણ હેઠળ રહ્યો હતો અને ખુલ્યા પછી તરત જ લગભગ 1 ટકા ઘટી ગયો હતો.
- ધ ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલી કોલમમાં મિસ્ટર શૅપ્સે જણાવ્યું હતું કે: ‘આ બજેટ રાજકીય રીતે ટીન-ઇયર કટ અને વિશાળ આવક વધારનાર નથી. વડા પ્રધાનની કાર્યસૂચિમાં ભાગ્યે જ પ્રાથમિકતા છે.
- વરિષ્ઠ ટોરીઝે ચેતવણી આપી હતી કે માઇકલ ગોવની ક્રિયાઓ પાર્ટીને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
- ભૂતપૂર્વ ટોરી નેતા સર ઇયાન ડંકન સ્મિથે ગોવ પર શ્રેણીબદ્ધ બેવફાઈનો આરોપ મૂક્યો હતો.