ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગે સાંસદોને જણાવ્યું હતું કે સરકાર આ વર્ષે ઘરમાં વપરાતી ગેસ ઇલેક્ટ્રીકસીટીના બિલમાં £1,400નો ઘટાડો કરશે અને લાખો સૌથી સંવેદનશીલ પરિવારોને વધારાની ચૂકવણી કરશે. જેને કારણે આ વર્ષે તેમની કુલ બચત £2,200 થશે. સરકારને આ તમામ પેકેજનો ખર્ચ છ મહિના માટે £60 બિલિયનનો થશે.
ક્વાર્ટેંગે યુનિવર્સલ ક્રેડિટ નિયમોમાં ફેરફારોની પુષ્ટિ કરી જણાવ્યું હતું કે જે લોકો બેનીફીટ મેળવવાનું ચાલુ રાખવા માંગતા હશે તેમણે કામ શોધવા અથવા કમાવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે.
તેમણે કોમન્સને કહ્યું હતું કે “યુક્રેન યુધ્ધને કારણે એનર્જી બીલ આવતા વર્ષે £6,500 સુધી પહોંચી શકે છે. પણ અમે મદદ કરીશું. સરકાર વીજળી અને ગેસના યુનિટના ભાવને મર્યાદિત કરશે અને આગામી બે વર્ષ માટે, સામાન્ય વાર્ષિક બિલ £2,500 જ હશે. જે સામાન્ય પરિવારના ઓછામાં ઓછા £1,000 પ્રતિવર્ષ બચાવશે. અમે આ શિયાળામાં તમામ ઘરોને £400ની છૂટ આપતી હાલની યોજનાઓ ચાલુ રાખીએ છીએ. તેથી સાથે મળીને, અમે આ વર્ષે દરેકના ઉર્જા બિલમાં અપેક્ષિત £1,400નો ઘટાડો કરી રહ્યા છીએ. એનર્જી બિલ રાહત યોજના યુકેના તમામ બિઝનેસીસ, ચેરીટી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો જેમ કે શાળાઓ અને હોસ્પિટલો માટેના હોલસેલ ગેસ અને વીજળીના ભાવમાં ઘટાડો કરશે. એનર્જીની કિંમતો અનિયમિત રીતે દર કલાકે વધી રહી છે અને ઘટી રહી છે”.
ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગની અન્ય જાહેરાતો
- શ્રી ક્વાર્ટેંગે દેશભરમાં ‘ઇન્વેસ્ટમેન્ટ ઝોન’ બનાવવાની જાહેરાત કરી હતી જ્યાં વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે કર અને વિકાસના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
- સરકાર બીયર, વાઇન અને સાઇડર પરની ડ્યુટીમાં વધારો કરશે નહીં.
- NI પરનો વધારો રદ કરવામાં આવશે.
- ટ્રાન્સપોર્ટ કામદારો હડતાળ ન પાડી શકે તે માટે કાયદામાં ફેરફાર કરાશે.
- બેંકર્સને બોનસ તરીકે કેટલી રકમ આપી શકાય તેની મર્યાદા ઉઠાવી લીધી હતી.
- આગામી વર્ષે આવનારા નફા પર ચૂકવાતા કોર્પોરેશન ટેક્સમાં આયોજિત વધારો દૂર કરાયો છે અને તે 19% પર જ રહેશે.