બર્મિંગહામ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ અઠવાડિયામાં એકથી વધારીને છ કરવાની એર ઇન્ડિયાની યોજનાને બ્રિટનના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને એમપી પ્રીત કૌર ગિલે આવકારી છે. હવે બર્મિંગહામથી અમૃતસર જવા અઠવાડિયામાં ત્રણ ફ્લાઈટ અને દિલ્હી જવા માટે ત્રણ ફ્લાઇટ્સ શરૂ થશે.
બર્મિંગહામ એજબેસ્ટનના સાંસદે કહ્યું હતું કે “મને એ જણાવતા આનંદ થાય છે કે વેસ્ટ મિડલેન્ડના 12 સાંસદો તરફથી એર ઇન્ડિયાને સંયુક્ત પત્રો લખાયા બાદ અને બર્મિંગહામ એરપોર્ટના સીઇઓ સાથે મુલાકાત કર્યા પછી બર્મિંગહામથી ભારતની ફ્લાઈટ્સ સપ્તાહમાં એકથી વધારીને છ કરાઇ છે.
તા. 30ના રોજ એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે બર્મિંગહામ માટે અઠવાડિયામાં પાંચ વધારાની ફ્લાઈટ્સ સાથે ગ્રાહકોને દર અઠવાડિયે 5,000 થી વધુ બેઠકો ઓફર કરી શકશે. આ ઉપરાંત લંડનની નવ અને સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.ની છ ફ્લાઇટ વધારનાર છે. આ વધારા સાથે, એર ઈન્ડિયાની ભારતથી યુકેની સાપ્તાહિક ફ્લાઈટ્સની સંખ્યા વધીને 48 થઈ છે.
બર્મિંગહામ અનેઆજુબાજીની કાઉન્ટીઝમાં રહેતા પંજાબી અને શીખ ડાયસ્પોરા સમુદાયોને ફ્લાઇટ અપાવવા ગીલે ભારે જહેમત ઉઠાવી હતી. કોવિડ ટ્રાવેલ પ્રતિબંધો હળવા થયા બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં બર્મિંગહામથી અમૃતસરની નિયમિત અને સીધી ફ્લાઈટ ફરી શરૂ થઈ હતી. પરંતુ ફ્લાઈટ્સની નિયમિતતા ઓછી રહી હતી.
ગિલે જણાવ્યું હતું કે, “બર્મિંગહામથી અમૃતસરની ફ્લાઈટ અઠવાડિયામાં એક ફ્લાઈટથી વધીને ત્રણ થઈ જશે. અને દિલ્હી માટે એકદમ નવા ફ્લાઇટ રૂટમાં બર્મિંગહામથી ત્રણ ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી શકાશે. જેનાથી સમગ્ર વેસ્ટ મિડલેન્ડ્સમાં મોટા ભારતીય અને શીખ ડાયસ્પોરા સમુદાયોને પણ ફાયદો થશે.’’
એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “ભારતના મોટા શહેરોથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી ફ્રિકવન્સી ઉમેરવી અને કનેક્ટિવિટી બહેતર બનાવવી એ મહત્ત્વપૂર્ણ ફોકસ છે. તે અમારા ઉદ્દેશ્યનો સ્પષ્ટ સંકેત છે અને ઘણી મોટી આકાંક્ષા તરફનું પ્રારંભિક પગલું છે.”