રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બિલિયોનેર ચેરમેન મુકેશ અંબાણીને અને તેમના પરિવારને દક્ષિણ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર ઉપર બુધવારે એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને ધમકી આપી હતી. આ વ્યક્તિએ હોસ્પિટલ અને અંબાણી પરિવારના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ હોસ્પિટલ અને અંબાણી પરિવારના મુંબઈ ખાતેના નિવાસસ્થાને એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
મુંબઈ પોલીસે અંબાણી પરિવારને ધમકી આપવા બદલ બિહારના દરભંગા જિલ્લામાંથી મધ્યરાત્રીએ એક શકમંદની ધરપકડ કરી હતી અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. અગાઉ અંબાણી પરિવારના નિવાસસ્થળ નજીકથી વિસ્ફોટક ભરેલું એક વ્હિકલ પણ મળી આવ્યું હતું.
છેલ્લા 2 મહિનામાં આ બીજી વખત અંબાણી પરિવારને ધમકી મળી છે. પોલીસે જણાવ્યું હતું કે બપોરે આશરે 1 વાગ્યે હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિનો ધમકી આપતો ફોન આવ્યો હતો. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું હતું કે ફોન કરનાર વ્યક્તિએ અંબાણી પરિવારના કેટલાક લોકોના નામ લઈને પણ ધમકી આપી હતી. આ મામલે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ વર્ષે ઓગસ્ટમાં 56 વર્ષના જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. તેને મુકેશ અંબાણીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ વિષ્ણુ વિધુ ભૌમિક તરીકે થઈ છે. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. આમાંથી માત્ર એક જ ફોનમાં તેણે કહ્યું હતું કે, તેનું નામ અફઝલ ગુરૂ છે અને તે આગામી 3 કલાકમાં કંઈ પણ કરી શકે છે.