સંજય દત્તની કારકિર્દી યોગ્ય ટ્રેક પર આગળ વધી રહી હોવાથી તેણે પોતાની ફી વધારી હોવાનું કહેવાય છે. બોલીવૂડમાં ઘણા એવા અભિનેતા છે જેમને દર્શકોએ હીરો અને વિલન બંનેની ભૂમિકામાં સ્વીકાર્યા હોય. આવા અભિનેતામાં સંજય દત્તનો પણ સમાવેશ થાય છે. તેણે જુદી જુદી ફિલ્મોમાં બંને ભૂમિકા સારી રીતે ભજવી હોવાથી દર્શકોએ તેને સુંદર આવકાર આપ્યો છે. જોકે, કહેવાય છે કે, દર્શકો સંજય દત્તને વિલન તરીકેની ભૂમિકા જોવાનું પસંદ કરે છે.
સંજય દત્તની તાજેતરની રિલીઝ થયેલી મોટાભાગની ફિલ્મોમાં તે વિલનના રોલમાં જ જોવા મળ્યો છે, તેમાં ‘શમશેરા’ અને ‘પાનીપત’નો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ સંજય દત્ત વિલનની ભૂમિકામાં છવાઇ ગયો છે. ‘કેજીએફ ચેપ્ટર-2’માં સંજય દત્તે અઘીરાનું પાત્ર ભજવ્યું હતું જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને ફિલ્મમાં તેની નોંધ પણ લેવાઇ હતી. હવે ફરીથી સંજય દત્ત સાઉથની એક ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. ડાયરેક્ટર લોકેશ કનાગરાજની ગેંગસ્ટર પર આધરિત એકશન થ્રિલર ફિલ્મમાં સંજય દત્તનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તે એક ખૂંખાર વિલનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે સંજય દત્તને ફી પેટે રૂ. 10 કરોડ મળ્યા હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.