રશિયા અને યુક્રેન વચ્ચે સાત મહિનાથી ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર બને તેવું મોટું પગલું ભરીને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને યુક્રેનના કબજે કરેલા ચાર વિસ્તારોને ગેરકાયદેસર રીતે પોતાના દેશમાં ભેળવી દેવાની સમજૂતીઓ પર શુક્રવારે હસ્તાક્ષર કર્યાં હતા. બીજી તરફ યુક્રેનના પ્રેસિડન્ટે પણ વળતા પગલાં તરીકે નાટો મિલિટરી એલાયન્સમાં જોડવા માટે ફાસ્ટ ટ્રેક અરજી કરી છે. રશિયાએ ડોનેત્સ્ક, ખેરાસન, લુહાન્સ્ક અને ઝોપોરિજિયાને ક્રેમલિનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં તેના મેળવી દેવાની સમજૂતી કરી છે.
પુતિન અને વોલોડિમિર ઝેલેસ્કીના આ પગલાંથી રશિયા અને પશ્ચિમ દેશો વચ્ચે યુદ્ધનું જોખમ ઊભું થયું છે. પુતિને એક સમારંભમાં યુક્રેનના વિસ્તારોને રશિયામાં ભેળવી દેવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને બળજબરીપૂર્વક હડપ કરેલા વિસ્તારોનું ઉપલબ્ધ તમામ સાધનો થી રક્ષણ કરવાનો હુકાર કર્યો હતો. પુતિન પશ્ચિમ દેશોની આકરી ટીકા પણ કરી હતી. રશિયાએ અગાઉ આ ચારેય પ્રાંતમાં જનમતસંગ્રહ કરાવ્યો હતો અને તેના નેતાઓ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. રશિયાએ આ ચાર પ્રાંત માટે નેતાઓની પણ નિમણુક કરી દીધી છે.
ઝેલેન્સ્કીએ પણ પેપરમાં પોતે પેનથી હસ્તાક્ષર કરતાં હોય તેવો વીડિયો જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પેપર નાટોના સભ્યપદ માટેનું વિવિધત અરજી છે. અગાઉ પુતિને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન નાટોમાં જોડાય તેનો તેઓ સખત વિરોધ કરે છે. આ કારણોસર જ તેમણે યુક્રેન પર આક્રમણ કર્યું હતું. પોતાના પ્રવચનમાં પુતિને યુક્રેનને શાંતિ મંત્રણા કરવાની અપીલ કરી હતી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કબજે કરેલા વિસ્તારોને પાછા આપવાની ચર્ચા કરશે નહીં. પુતિનના વલણથી રશિયા સામે યુક્રેન અને પશ્ચિમી સમર્થક દેશો આકરું વલણ અપનાવે તેવી શક્યતા છે.
પુતિને આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ દેશો રશિયાને એક કોલોની અને ગુલામનો દેશ બનાવવાની યોજનાના ભાગરૂપે દુશ્મનાવટને વધુ વકરાવી રહ્યાં છે.