ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મારફતની સરકારની આવક સપ્ટેમ્બરમાં સતત સાતમાં મહિને રૂ.1.40 લાખ કરોડથી વધુ રહી હતી. સપ્ટેમ્બર 2022માં જીએસટીની આવકમાં ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 26 ટકા વધી રૂ.1.47 લાખ કરોડ થઈ હતી. હાલમાં ઉત્સવોની સીઝન ચાલુ હોવાથી જીએસટી મારફતની સરકારની આવકમાં આ મહિને પણ વધારો થવાની ધારણા છે.
નાણામંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2022માં જીએસટીની કુલ વસુલાત રૂ.1,47,686 કરોડ રહી હતી. તેમાં સેન્ટ્રલ જીએસટીની આવક રૂ.25,271 કરોડ, સ્ટેટ જીએસટીની આવક રૂ.31,813 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટીની આવક રૂ.80,464 કરોડ રહી હતી. ઇન્ટિગ્રેટેડ જીએસટીમાં ગૂડ્સની આયાત પરના ટેક્સથી થયેલી રૂ.41,215 કરોડ રહી હતી. જીએસટી સેસની આવક રૂ.10,137 કરોડ રહી હતી.
ચાલુ વર્ષના એપ્રિલમાં જીએસટીની વસુલાત વિક્રમજનક રૂ.1.67 લાખ કરોડ રહી હતી. ઓગસ્ટમાં આ વસુલાત આશરે રૂ.1.43 લાખ કરોડ રહી હતી.સપ્ટેમ્બર 2022માં જીએસટીની આવક ગયા વર્ષના સમાન મહિનાની તુલનાએ 26 ટકા વધુ રહી હતી. સપ્ટેમ્બર દરમિયાન ગૂડ્સની આયાત પરના ટેક્સની આવક 39 ટકા વધુ રહી હતી, જ્યારે ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન (સર્વિસિસ ક્ષેત્રની આયાત સહિત) વાર્ષિક ધોરણે 22 ટકા વધુ રહી હતી.
સપ્ટેમ્બર 2022 સુધી જીએસટીની આવકમાં વૃદ્ધિ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 27 ટકા રહી છે. આમ સરકારની જીએસટી મારફતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ 2022માં કુલ 7.7 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા, જે જુલાઈ 2022ની સરખામણીમાં નજીવો વધારો દર્શાવે છે.
20 સપ્ટેમ્બરે માત્ર એક દિવસમાં રૂ.49,453 કરોડની વસુલાત થઈ હતી, જે એક દિવસમાં બીજા ક્રમે સૌથી વધુ વસુલાત છે. 20 સપ્ટેમ્બરે બીજા ક્રમે સૌથી વધુ 8.77 લાખ ચલન ફાઇલ થયા હતા. 20 જુલાઈ 2022ના રોજ 9.58 લાખ ચલન ફાઇલ થયા હતા અને રૂ.57,846 કરોડની વસુલાત થઈ હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.