ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ સુણાવના વતની અને હાલમાં UKસ્થિત વિખ્યાત દાતા વીણાબેન પટેલને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે 29મી સપ્ટેમ્બરે, ચારૂસેટ કેમ્પસમાં દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ દિવસે ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન મણિકાકા ટોપાવાળા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ (MTIN)માં વીણાબેન પટેલના માતુશ્રીની સ્મૃતિમાં લલિતાબેન જશભાઈ પટેલ (નાર) ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ લેબોરેટરીનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. વીણાબેન પટેલના હસ્તે તકતીનું અનાવરણ અને લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, હોદેદારો, ચારૂસેટની વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા વીણાબેન પટેલના પરિવારજનો બહેન પુર્ણિમાબેન, દીકરી જાગૃતિબેન, પૌત્ર વગેરે ખાસ UKથી હાજર રહ્યા હતા.
સ્વાગત પ્રવચન કરતાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્રભાઈ પટેલે આમંત્રિતો મહેમાનો, સૌ ઉપસ્થિતોને આવકાર્યા હતા અને કહ્યું કે વીણાબેન યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલે આમંત્રિત મહેમાનોનો પરિચય આપ્યો હતો અને વીણાબેનના સત્કાર્યોની ઝાંખી કરાવી હતી અને જણાવ્યું હતું કે ગર્ભ શ્રીમંત વીણાબેને પોતે કમાયેલું ધન સતકાર્ય માટે વાપર્યું છે. વીણાબેન દ્વારા વિવિધ ક્ષેત્રે દાનનો પ્રવાહ વહેવડાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી બિઝનેસમાં વર્ષોથી સંકળાયેલા વીણાબેન પટેલ 50 વર્ષથી UKમાં સ્થાયી થયા છે અને સમાજને પરત આપવાની ભાવનાથી ચારુસેટ કેમ્પસમાં દાનનો પ્રવાહ વહેવડાવ્યો છે અને ચારૂસેટ યુનિવર્સીટીને રૂ. 1 કરોડનું માતબર દાન આપ્યું છે. જેમાં રૂ. 85 લાખની લેબ અને રૂ. 15 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ માટે છે.
UKને કર્મભૂમિ બનાવ્યા છતાં માદરે વતન ચરોતરને ન ભૂલનાર અને ભારત તથા દુનિયાભરમાં સ્કૂલો અને લેબોરેટરીનું નિર્માણ, સ્કોલરશીપ, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ, ગાર્ડન વગેરે માટે માતબર દાન આપનાર વીણાબેન નિષ્કામ સેવાવૃત્તિ માટે જાણીતા છે. દાતા વીણાબેન પટેલે સન્માનનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે આ એવોર્ડ આપ સૌ સમક્ષ સ્વીકારતા આનંદની લાગણી વ્યક્ત કરું છું. મારા પતિ મારી ક્ષમતા સમજતા હતા અને મારા દરેક કાર્યમાં પડખે ઉભા રહેતા હતા. મે મારા જીવનમાં ક્વિન જેવુ કાર્ય કરી બતાવ્યું છે. વીણાબેને વિદ્યાર્થિનીઓને જીવનમાં આગળ આવવા માટે ઝાંસીની રાણી બનવા અનુરોધ કર્યો હતો. તેમના પૌત્રે જણાવ્યુ કે વીણાબા અમારા પરિવાર માટે પ્રેરણારૂપ છે અને ગૌરવ છે. તેમના દીકરી જાગૃતિબેને કહ્યું કે મમ્મી અમારા માટે પ્રેરણા-ફોર્સ-સપોર્ટ છે. તેમના પાસેથી અમે જીવનમાં નૈતિકતા-એથીક્સ શીખ્યા છીએ.