વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ગુરુવાર (29 સપ્ટેમ્બર)એ રંગારંગ કાર્યક્રમો સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનો ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સ્ટેડિયમ એક લાખ કરતાં વધુ લોકોથી ખીચોખીચ ભરાયેલું હતું. નેશનલ ગેમ્સના પ્રારંભ પહેલા વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 દરમિયાન આ રમતોત્સવ યોજાશે. તેમાં દેશભરના 15,000થી વધુ ખેલાડીઓ, કોચ ભાગ લેશે. ગુજરાતના છ મોટા શહેરોમાં આ રમતોનું આયોજન કરાયું છે. તેમાં 36 રમતો રમાશે. આ નેશનલ ગેમ્સ શહેરના વિવિધ વિસ્તાર જેમ કે, સાબરમતી, રિવરફ્રન્ટ, પાલડી, મણિનગરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ગુજરાતના, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરામાં 34થી વધુ રમતો રમાશે.
આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે આ દ્રષ્ય, આ તસ્વીર અને આ માહોલનું શબ્દો વર્ણન થઈ શકે નહીં.. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વનું આટલો યુવાન દેશ, અને દેશનો સૌથી મોટા ખેલ ઉત્સવનું આયોજન આટલું અદ્દભુત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા પણ આટલી અસાધારણ હશે. દેશના 36 રાજ્યોથી 7000થી વધારે એથ્લેટ્સ, 15000થી વધુ પ્રતિભાગી, 35000થી વધુ કોલેજ, યુનિવર્સિટી અને સ્કૂલની સહભાગીતા અને 50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નેશનલ ગેમ્સ સાથે સીધુ જોડાણ, આ અદ્દભૂત છે. આ અભૂતપૂર્વ છે. નેશનલ ગેમ્સની એન્થેમ ‘જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા‘ છે.
તેમણે કહ્યું હતું કે, આ શબ્દ, આ ભાવ, આજે આકાશમાં ગૂંજી રહ્યા છે. તમારો ઉત્સાહ આજે તમારા ચહેરા પર ચમકી રહ્યો છે. આ ચમક શરૂઆત છે ખેલની દુનિયાના આવનારા સુવર્ણના ભવિષ્યની. આ નેશનલ ગેમ્સનું પ્લેટફોર્મ તમારા માટે નવા લોન્ચિંગ પેડનું કામ કરશે. હું આ ગેમ્સમાં સામેલ તમામ ખેલાડીઓને શુભકામનાઓ આપું છું. હું આજે ગુજરાતના લોકોની પ્રશંસા કરું છું જેમણે ઓછા સમયમાં આટલું ભવ્ય આયોજન કર્યું છે. આ ગુજરાતનું સામર્થ્ય અને અહીંના લોકોનું સામર્થ્ય છે. તમને ક્યાંક ઉણપ દેખાય કે અસુવિધા થાય તો તેના માટે હું ગુજરાતી તરીકે તમારી પાસે એડવાન્સમાં ક્ષમા માંગી લઉ છું.
(ANI Photo)
વડાપ્રધાને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા નેશનલ ગેમ્સનો ઓફિશિયલ મેસ્કોટ ‘સાવજ’ પણ લોન્ચ થયો છે. જે ભારતના યુવાનોનો મિજાજ દેખાડે છે. વિશ્વમાં ઝડપથી ઊભરી રહેલા ભારતનું પણ પ્રતિક છે. તમે જે સ્ટેડિયમમાં હાજર છો તેની વિશાળતા અને આધુનિકતા પણ એક અલગ પ્રેરણાનું કારણ છે. આ સ્ટેડિયમ તો દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તો છે જ પરંતુ સાથે જ આ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ઘણી બધી રીતે અલગ છે. સામાન્ય રીતે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ એક કે બે કે ત્રણ રમતો પર કેન્દ્રીત હોય છે પરંતુ આ કોમ્પલેક્સમા ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ જેવી અનેક રમતોની સુવિધા ઉપલબ્ધ છે. આ સમગ્ર દેશ માટે એક મોડલ છે કેમ કે જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ સ્ટાન્ડર્ડનું હોય ત્યારે ખેલાડીઓનું મનોબળ પણ નવી ઊંચાઈએ પહોંચી જાય છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, સૌભાગ્યથી આ સમયે નવરાત્રીનો પાવન ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મા દુર્ગાની ઉપાસનાથી લઈને ગરબા સુધી અહીંની પોતાની આગવી ઓળખ છે. જે ખેલાડી બીજા રાજ્યોમાંથી આવ્યા છે તેમને હું કહીશ કે રમતની સાથે અહીં નવરાત્રીનો પણ આનંદ માણજો. ગુજરાતના લોકો તમારી મહેમાનનવાજીમાં, તમારા સ્વાગતમાં કોઈ કચાશ રાખશે નહીં. મેં જોયું કે આપણા સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ગરબાનો આનંદ લીધો હતો.