યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને લેસ્ટરમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને હિંદુ – મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે મુલાકાત કરી તેમને ખાતરી આપી હતી કે તાજેતરની હિંસક અથડામણ પાછળ સંડોવાયેલા ગુનેગારોને કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરવો પડશે.
તોફાનો અંગેના નવીનતમ અપડેટ્સની ચર્ચા કરવા 22 સપ્ટેમ્બરના રોજ અધિકારીઓ અને પોલીસ વડાઓ સાથે મુલાકાત કરી હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને પોલીસ ફોર્સને પોતાનું સમર્થન વ્યક્ત કરી બનાવોનો સામનો કરવા અને તેને નિવારવા તમામ શક્તિઓનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.
પોલીસ વડા અને સ્થાનિક મંદિરો અને મસ્જિદોના નેતાઓ દ્વારા તેમને “ગંભીર અવ્યવસ્થા” વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે “લેસ્ટરશાયરના પોલીસ અધિકારીઓ, ઇનચાર્જ ચીફ કોન્સ્ટેબલ અને સ્થાનિક સમુદાયના નેતાઓ સાથે સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત કરવા અને લેસ્ટરમાં સલામતી અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે ચાલી રહેલી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. અમે આ અંગે સાથે મળીને કામ કરીશું, અને હું સમુદાયો અને અમારી પોલીસને ટેકો આપવા માટે મારાથી બનતું બધું કરીશ. ”
તેમણે વેસ્ટ મિડલેન્ડ પોલીસ વડા સાથે પણ વાત કરી ત્યાંની પરિસ્થિતિ પર નજર રાખવા જણાવી તેમની કામગીરી માટે આભાર માન્યો હતો.