ધાર્મિક દ્વેષ ફેલાવવાના ઈરાદા સાથે સામગ્રી પ્રકાશિત કરવાની શંકાના આધારે કોવેન્ટ્રી પોલીસે બર્મિંગહામના 37 વર્ષીય યુવકની શુક્રવારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા વિડિયો પોસ્ટ પછી પોલીસ આ શંકાસ્પદ યુવકને શોધતી હતી. જેને પગલે તે યુવકે પોતાની જાતે પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે વીડિયોમાં ધમકીઓ આપવામાં આવી હતી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે પુષ્ટિ કરી હતી કે તા. 22ને ગુરુવારે સાંજે કોવેન્ટ્રીમાં હિંદુ મંદિર નજીક સંભવિત વિરોધ પ્રદર્શન અંગેની માહિતી મળતા પોલીસ અધિકારીઓને રવાના કરાયા હતા. આ દેખાવો તા. 20ને મંગળવારે સ્મેથવિકના દુર્ગા ભવન મંદિર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન બાદ કરાયા હતા જેમાં કેટલાક વિધર્મી તત્વોએ અવ્યવસ્થા સર્જી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેને શુક્રવારે તા. 23ના રોજ બપોરે 3:30 વાગ્યાથી શનિવારે સવારે 6:30 વાગ્યાની વચ્ચે સેન્ડવેલ અને કોવેન્ટ્રીના વિસ્તારોમાં લોકોને રોકીને તપાસ કરવાની અને વિખેરવા માટેની વધારાની સત્તાઓ આપવામાં આવી હતી.