ટીનેજ મુસ્લિમ કિશોરીના અપહરણના પ્રયાસની અફવા અને મસ્જિદ પર હુમલો કરાયો હોવાના પાયાવિહોણા ખોટા અહેવાલોને કારણે લેસ્ટરમાં તોફાનો થયો હોવાનું અખબાર ધ ટાઇમ્સના અહેવાલમાં બહાર આવ્યું છે. આ અફવાઓ પણ ઇરાદાપૂર્વક તોફાનો વધુ વકરે તે માટે ફેલાવાઇ હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે. આ તોફાનોમાં સોશિયલ મિડીયા પર ફેલાયેલી ઑનલાઇન ખોટી માહિતીએ બન્ને કોમોની શત્રુતાને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવી હતી.
લેસ્ટર પોલીસે પુષ્ટિ કરી હતી કે તા. 17ને શનિવારના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસા માટે બર્મિંગહામ અને લુટન સહિતના શહેરોમાંથી કેટલાક યુવાનો આવ્યા હતા અને કેટલાકને ઓનલાઈન ઝુંબેશ દ્વારા લેસ્ટર આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સ્થાનિક સમુદાયના લોકોએ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પરની ખોટી પોસ્ટ્સને પગલે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે શ્રેણીબદ્ધ અથડામણો થઇ હતી. જેને કારણે શનિવારે રાત્રે ગંભીર અવ્યવસ્થા સર્જાઇ હતી.
લેસ્ટર પોલીસે સ્વીકાર્યું હતું કે ઓનલાઈન ખોટી માહિતી અવિશ્વાસને વધુ ઉત્તેજન આપી રહી છે. પોલીસે લોકોને માત્ર ચકાસી હોય તેવી માહિતી, વિડીયો અને ફોટોગ્રાફ જ ઓનલાઈન શેર કરવા વિનંતી કરી હતી.
પ્રથમ મુખ્ય ખોટી અફવા ક્રિકેટ મેચના પગલે ફેલાઈ હતી. આ અવ્યવસ્થા દરમિયાન સ્થાનિક માણસને માર મારવામાં આવ્યો હતો. તે શીખ હતો, પરંતુ તે મુસ્લિમ હોવાના ખોટા દાવાઓ સોસ્યલ મિડીયા પર કરાયા હતા.
13 સપ્ટેમ્બરે એવા દાવાઓ કરાયા હતા કે એક મુસ્લિમ કિશોરીનો ત્રણ હિંદુ પુરુષો દ્વારા સંપર્ક કરાયો હતો. પરંતુ લેસ્ટર પોલીસે સંપૂર્ણ તપાસ પછી બીજા જ દિવસે જણાવ્યું પ્રસ્થાપિત કર્યું હતું કે આવી કોઇ ઘટના બની જ ન હતી. મસ્જિદો પર હુમલા કરાયા હોવાના કેટલાક ખોટા દાવા પણ કરવામાં આવ્યા છે. પરંતુ મસ્જિદના નેતાઓના જૂથે કહ્યું હતું કે આ દાવાઓ બનાવટી અને ખોટા હતા. બંને પક્ષોના કાર્યકરો એક બીજા પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.
સ્થાનિક પોલીસ દળે ચેતવણી આપી હતી કે બંને પક્ષના આંદોલનકારીઓ હિંસા કરવા માટે શહેરની બહારથી આવ્યા હતા. ગ્રીન લેન રોડ પરના એક મુસ્લિમ નિવાસીએ નામ જાહેર નહિં કરતાં સોશિયલ મીડિયા પરના દાવાને ટાંકીને જણાવ્યું હતું કે ‘’શનિવારના તોફાનોમાં સામેલ માસ્ક પહેરેલા યુવાનો નોર્થ વેસ્ટ લંડનના નીસડન અને બર્મિંગહામથી કોચ દ્વારા આવ્યા હતા. આ તકરાર ક્યારેય ક્રિકેટ મેચ વિશે નહોતી. બંને બાજુએ નફરત છે અને તે લાંબા સમયથી ચાલી રહી છે. આ ખૂબ જ રાજકીય રીતે પ્રેરિત છે.”
લેસ્ટરમાં 50 વર્ષથી વધુ સમયથી વિવિધ ધર્મના લોકો સુમેળમાં રહે છે અને શહેરને તેની બહુસાંસ્કૃતિકતા પર ગર્વ છે, જો કે તેમ છતાં ત્યાં તણાવ ઉભો થયો છે.
2018માં લેસ્ટરમાં મુસ્લિમ પ્રેયર રૂમ ખોલવા માટેની અરજીને નકારી કાઢવામાં આવી હતી. તે અંગે હજારો લોકોએ વાંધો લીધો હતો કેમ કે તે શહેરના એવા ભાગમાં ખોલવામાં વનાર હતું જ્યાંના મોટાભાગના રહેવાસીઓ હિંદુ છે.”
આ ઉપરાંત રોગચાળા પછી, સાંસ્કૃતિક સમુદાયો વધુ અલગ થઈ ગયા હોવાનું પણ મનાય છે.