Free food grains scheme extended by three months
(ANI Photo)

કેન્દ્ર સરકારે દેશની ગરીબ વસતિને મોટી રાહત આપીને મફત અનાજની સ્કીમને વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થવાની હતી. તે પહેલા સરકારે ત્રણ મહિના એટલે કે વર્ષના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.  

નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ મફત અનાજની સ્કીમ ત્રણ મહિના લંબાવવાથી સરકારીની તિજોરીને રૂ.45,000 કરોડનો બોજ પડશે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે તેની પાસેના અનાજના સ્ટોકની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય કર્યો હતો. હાલમાં સરકાર પાસે અનાજનો જંગી સ્કોક છે. 

આ પહેલા એવી અટકળો હતો કે હવે મફત અનાજની યોજના કદાચ બંધ કરવામાં આવશે. જોકે આ નિર્ણયને રાજકીય દ્રષ્ટીએ પણ જોવો જોઇએ.  આગામી ત્રણ મહિનામાં ગુજરાત અને હિમાચલપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કોરોના મહામારીદરમિયાન કેન્દ્ર સરકારે પીએમ ગરીબ કલ્યાણ અનાજ યોજનાના નામથી આ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દર મહિને દરેક વ્યક્તિને 5 કિલો મફત રાશન મળે છે.  

આ સ્કીમનો લાભ આશરે 80 કરોડ લોકો લઈ રહ્યાં છે. રાષ્ટ્રીય અનાજ સુરક્ષા કાયદા હેઠળ આટલું જ અનાજ અગાઉ સસ્તા ભાવે મળે છે.  જોકે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતું અનાજ તેનાથી અલગ છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં લોકડાઉનથી અસરગ્રસ્ત બનેલા લોકોને મદદ કરવામાં આ યોજના મહત્ત્વની બની હતી. 

 

LEAVE A REPLY