હરિયાણામાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલની જન્મજયંતિના પ્રસંગે રવિવારે ઇન્ડિયન નેશનલ લોક દળ (INLD)ની મેગા રેલીમાં નીતિશ કુમાર, શરદ પવાર સહિતના વિપક્ષના નેતાઓ એકમંચ આવ્યા હતા અને 2024ની ચૂંટણીમાં કોગ્રેસના સમાવેશ સાથે નવો મોરચો બનાવવાની હાકલ કરી હતી. વિપક્ષી નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષ એકજૂથ થઈને ચૂંટણી લડશે તો ભાજપનો પરાજય નિશ્ચિત બનશે.
INLDના નેતા ઓમ પ્રકાશ ચૌટાલા અને શિરોમણી અકાલી દળના સુખબીર સિંહ બાદલ તથા એનસીપીના શરદ પવાર, સીપીએમના સીતારામ યેચુરી, બિહારના નાયબ મુખ્યપ્રધાન અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને શિવસેનાના અરવિંદ સાવંત સહિતના નેતાઓ એકમંથ પર એકઠા થયા હતા.
રેલીમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે જણાવ્યું હતું કે ત્રીજા મોરચાના કોઇ સવાલ નથી. એક મોરચો હોવો જોઇએ, જેમાં કોંગ્રેસનો સમાવેશ થાય. તેનાથી આપણે 2024માં ભાજપના સત્તા પરથી બહાર ફેંકી શકીશું.
આ વિપક્ષી નેતાઓ ભાજપની આકરી ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રનો સત્તાધારી પક્ષ રાજકીય લાભ મેળવવા માટે હિન્દુ મુસ્લિમ વચ્ચે અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરે છે તથા ખોટા દાવા અને વચનો આપે છે. કૃષિ કાયદા સામેના આંદોલનનો ઉલ્લેખ કરતાં પવારે જણાવ્યું હતું કે ખેડૂતો અને યુવાન આપઘાત કરે તે ઉકેલ નથી, પરંતુ પરિવર્તન લાવવું તે સાચો ઉકેલ છે. દરેકે 2024માં કેન્દ્રની સરકારમાં પરિવર્તન લાવવા માટે પ્રયાસો કરવા જોઇએ. હરિયાણામાં INLD અને કોંગ્રેસ એકબીજાના કટ્ટર હરીફ છે. તેથી આ રેલીમાં કોંગ્રેસના કોઇ પ્રતિનિધિ હાજર રહ્યાં ન હતા. આ મહારેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, તેલંગણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ જેવા દિગ્ગજ પ્રાદેશિક નેતાઓ પણ હાજર રહ્યાં ન હતા.