યુકેનાં નવાં વડાંપ્રધાન લિઝ ટ્રસ જ્યારે આ પદ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમનાં પ્રચારમાં દેશમાં ટેક્સ ઘટાડવાનું વચન આપ્યું હતું. હવે જ્યારે સરકારનું સંચાલન તેમના હાથમાં આવી ગયું છે ત્યારે તેમણે આપેલા વચનનો અમલ પણ કર્યો છે. નવા ચાન્સેલર શુક્રવારે પાર્લામેન્ટમાં મિની-બજેટ રજૂ કર્યું હતું. જેમાં છેલ્લા 50 વર્ષના સૌથી મોટા ટેક્સ કાપની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનના કારણે રાજકીય શોક હોવાથી ટેક્સ કાપની જાહેરાત કરવામાં વિલંબ થયો હતો. જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે આ જાહેરાતને ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેન્ગે ‘નવા યુગ માટે વૃદ્ધિની નવી યોજના’ ઓળખાવી હતી. તેમણે આ અવસરે બે વર્ષમાં 2.5 ટકાની આર્થિક વૃદ્ધિનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો હતો. નવી જાહેરાતને પગલે આવકવેરા તેમજ ઘરની ખરીદી પરના લેન્ડ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ મુકાયો છે. ઉપરાંત, બિઝનેસ ટેક્સમાં તબક્કાવાર વૃદ્ધિની યોજના રદ કરવામાં આવી છે. ક્વાર્ટેન્ગે જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ વાસ્તિવક વિશ્વ સાથે સંબંધ નહીં ધરાવતો કોઇ પુસ્તકનો શબ્દ નથી. અમે જગતના જુદા જુદા બિઝનેસીઝને યુકેમાં રોકાણની તક આપવા ઇચ્છીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે, દુનિયાના તેજસ્વી લોકો અહીં કામ કરે. અમે દરેક વ્યક્તિ માટે સારી જીવનશૈલી ઇચ્છીએ છીએ.