કેનેડામાં હેઇટ ક્રાઇમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તીવ્ર વધારો થતાં ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓને ભારતના વિદેશ મંત્રાલયે એક માર્ગદર્શિકા જાહેર કરીને સતર્ક રહેવા જણાવ્યું છે.
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ગુનેગારો સામે કાર્યવાહી કરાઈ નથી. હેઇટ ક્રાઇમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં મોટો વધારો થયો છે. ભારતના વિદેશ મંત્રાલય અને કેનેડા ખાતેના ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં સત્તાધિશો સમક્ષ આ ઘટનાઓના મુદ્દા ઉઠાવ્યા હતા અને ગુનાઓની તપાસ અને યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરી હતી. ગુનેગારોને સામે કેનેડામાં અત્યાર સુધી કોઇ કાર્યવાહી થઈ નથી. માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે આવા ગુનાઓની ઘટનામાં વધારાને પગલે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવે છે.
ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓને ટોરન્ટો અને વાનકુવરમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ અથવા ઓટ્ટાવામાં ઇન્ડિયન મિશનમાં નોંધણી કરવાની પણ અપીલ કરાઈ છે. આ નોંધણીના કારણે સંકટ સમયે ઇન્ડિયન હાઇકમિશન અને કોન્સ્યુલેટ જનરલ કેનેડામાં ભારતના નાગરિકો સાથે વધુ સારી રીતે સંપર્ક કરી શકશે. એક અંદાજ મુજબ કેનેડામાં ભારતીય મૂળના 16 લાખ લોકો વસે છે. આ વર્ષે કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઓછામાં ઓછી બે ઘટના બની છે.
કેનેડાના કેટલાંક જૂથે 19 સપ્ટેમ્બરે બ્રેમ્પ્ટન શહેરમાં અલગતાવાદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતે તેનો કડક વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે અંતિમવાદી તત્વોની રાજકારણ પ્રેરિત કામગીરીને કેનેડા જેવા મિત્ર દેશોએ છૂટ આપવી જોઇએ નહીં. કેનેડામાં કથિત ખાલિસ્તાન રેફરન્ડમનું સમર્થન કરતાં અંતિમવાદીઓ અને કટ્ટરવાદી તત્વોએ આવી હાસ્યાસ્પદ કામગીરી કરી હતી. ડિપ્લોમેટિક માધ્યમો દ્વારા કેનેડાના સત્તાવાળા સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કેનેડાની સરકારે જણાવ્યું છે કે, તેઓ ભારતના સાર્વભોમત્વ અને અખંડિતતાનું સન્માન કરે છે.

LEAVE A REPLY