દિલ્હીમાં ગુરુવારે પડેલા ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઇ હતી. વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને મધ્ય વરસાદને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે વિવિધ માહિતી ટ્વીટર પર પોસ્ટ કરી હતી. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું કે ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ શકે છે. વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે અને કાચા રોડ તથા જૂની ઈમારતોને નુકસાન પહોંચી શકે છે. આવનારા બે ત્રણ દિવસ સુધી દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ગુરુગ્રામના સત્તાધિશોએ ભારે વરસાદના કારણે એડવાઈઝરી જાહેર કરી છે. તમામ કોર્પોરેટ કાર્યાલય અને ખાનગી સંસ્થામાં કામ કરનારા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. હવામાન વિભાગના ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખતા સ્કૂલ બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.