શ્રી કલ્પેશ સોલંકીના સૌથી નાના પુત્ર જૈમિન સોલંકીએ અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’દરેક પૌત્રને સમાન રીતે પ્રેમ કરતા મારા દાદીએ અમને દરેકને વિશેષ અનુભવ કરાવ્યો હતો. તેમની સાથે રહેવું એ શ્રેષ્ઠ ભેટ હતી. તેમની સાથે મેં બાગાયત પરના વિશેષ બોન્ડને માણ્યું હતું. તેમને ફૂલો અને બાગકામ પસંદ હતું અને તેઓ છોડ અને પ્રાણીઓની ખૂબ કાળજી લેતાં હતાં.’’
‘’બગીચાના પ્લાન્ટ્સ વિશે તેમને ઘણું જ્ઞાન હતું અને તે દરેક છોડની વાર્તા કહેતા. મારા દાદાએ આપેલા પિયોનીના પ્લાન્ટ્સ પર આવતા ફૂલની તેઓ દર વસંતમાં રાહ જોતા. દર વર્ષે અમે દાદી, મમ્મી અને કાકી સાથે હેમ્પટન કોર્ટ ફ્લાવર શોમાં જતા અને દાદીમા દરેક ડિસ્પ્લેની આસપાસ જઈને દરેક ગુલાબની શ્રેષ્ઠ ગુણવત્તા, રંગ અને તેની શ્રેષ્ઠ સુગંધને પારખતા અને તેઓ પસંદ કરે તે ગુલાબનો છોડ હું તેમના જન્મદિવસની ભેટ તરીકે ખરીદતો.’’
‘’મારી મંગેતર વનિષા માટે ડાયમન્ડ રીંગ પસંદ કરવા માટે દાદીમાએ મને હીરાની ગુણવત્તાના કડક માપદંડો સમજાવી તે પસંદ કરવામાં મદદ કરી હતી. દાદી ગરવી ગુજરાતના દરેક પેજ અને લેખો વાંચી જરૂર જણાય ત્યારે એડિટર્સ અને પત્રકારોને ટિપ્પણી કરતા. દાદીમા આતુર બિઝનેસવુમન હતા અને તે અંગે પ્રશ્નો પૂછતા અને કોઈ સમસ્યા હોય તો તેઓ ઉકેલો સુચવતા. મારા હૃદયમાં એક વિશાળ શૂન્યતા છે અને હું મારી દાદીને ખૂબ જ યાદ કરું છું.’’