ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું કોફિન તા. 14ને બુધવારે છેલ્લી વખત લંડનમાં બકિંગહામ પેલેસમાંથી બહાર નીકળ્યું ત્યારે બ્રિટિશ સિંહાસનના વારસદાર પ્રિન્સ ઑફ વેલ્સ વિલિયમ અને તેમના નાના ભાઈ ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરી બધા મનમોટાવ અને અણબનાવો ભૂલીને સાથે ચાલ્યા હતા. આ અગાઉ તેઓ ગયા વિકેન્ડમાં તેમના જીવનસાથીઓ સાથે પુષ્પાંજલિમાં ભાગ લેવા અને અભિવાદન કરવા માટે વિન્ડસર કાસલ ખાતે પણ જોવા મળ્યા હતા.
વેસ્ટમિન્સ્ટર હોલની અંદર પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ અને ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલ પણ લાઈંગ-ઈન-સ્ટેટ સમારોહમાં પોતાના પતિઓ સાથે ટૂંકી સર્વિસમાં જોડાયા હતા. આ મિલનોને એકતાના સંદેશ તરીકે જોવામાં આવશે.
કિંગ ચાર્લ્સ III એ ગયા અઠવાડિયે રાષ્ટ્રને કરેલા તેમના પ્રથમ ટેલિવિઝન સંબોધનમાં પ્રેમપૂર્વક તેમના નાના પુત્ર હેરી અને પુત્રવધૂ મેગનનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ હેરીએ તેની દાદીના સંભારણાને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી તથા પિતાને નવા રાજા તરીકે શુભેચ્છા પાઠવી હતી.