ક્વીન એલિઝાબેથના પાર્થિવ દેહને તા. 13ના રોજ સાંજે સ્કોટલેન્ડના એડિનબરાથી લંડન લઇને આવતા બ્રિટિશ રોયલ એરફોર્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ગ્લોબમાસ્ટર સી-17ને લગભગ છ મિલિયન લોકોએ ટ્રેક કરવાનો પ્રયાસ કરતા તે ફ્લાઇટ ઇતિહાસમાં સૌથી વધુ ટ્રેક કરાયેલ ફ્લાઇટ બની હતી અને તે લાંબા સમય સુધી આ રેકોર્ડ ધરાવે તેમ લાગી રહ્યું છે.
વેબસાઇટ Flightradar24એ જણાવ્યું હતું કે ‘’આ અગાઉનો રેકોર્ડ યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીનો છે. ગયા મહિને ઓગસ્ટમાં તેમને તાઈવાન લઈ જતા યુએસ એરફોર્સ દ્વારા સંચાલિત બોઇંગ C-40C જેટ વિમાનને 2.2 મિલિયન લોકોએ ટ્રેક કર્યું હતું.
વિશાળ પ્રમાણમાં લોકોએ વેબસાઇટને ટ્રેક કરતા સાઇટ પર વિક્ષેપ ઉભો થયો હતો. બીબીસીની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનને 4.79 મિલિયનથી વધુ લોકોએ જોઇ હતી જ્યારે યુ-ટ્યુબ ચેનલ પર 296,000 સેટ પર પ્રસારણ જોવાયું હતું.