વર્ક ફ્રોમ હોમની સુવિધાને પગલે ભારતની આઇટી કંપનીઓમાં ઘણા કર્મચારીઓ મુનલાઈટિંગ કરતા હોવાની સમસ્યા ઊભી થઈ છે. મુનલાઇટિંગ એટલે નોકરીના કલાકો પૂરા થયા પછી પછી બીજી કંપનીઓ માટે કામ કરવું અને વધારાની કમાણી કરવી. મુનલાઇટિંગ અંગે હવે IT કંપનીઓ કડક બની છે અને બીજા માટે કામ કરનારા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટી કરી રહી છે. વિપ્રોએ પણ તાજેતરમાં આ કારણથી 300 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન રિશદ પ્રેમજીએ બુધવારે આ વાતની જાહેરાત કરી હતી. વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીએ બુધવારે કહ્યું હતું કે વિપ્રોના 300 કર્મચારીઓ એક જ સમયે હરીફ કંપનીઓની નોકરી પણ કરતા હોવાનું માલૂમ થયું છે
કંપનીએ જણાવ્યું હતું કે આ લોકો વિપ્રોમાં ફુલટાઈમ નોકરી કરતા હોવા છતાં સમય કાઢીને બીજી કંપનીઓ માટે પણ કામ કરતા હતા. તેમણે કહ્યું કે અમારી કંપનીના પેરોલl પર હોવા છતાં હરીફો માટે કામ કરતા લોકોને કાઢી મુકવામાં આવ્યા છે. કારણ કે તેમાં પ્રમાણિકતાનો ભંગ થાય છે. અમે આ લોકોની સર્વિસ સમાપ્ત કરી છે.
કર્મચારીઓને મૂનલાઈટિંગ કરવા દેવાય કે નહીં તે વિશે ટેકનોલોજી અને સોફ્ટવેર કંપનીઓ અલગ અલગ મત ધરાવે છે. અમુક કંપનીઓ માને છે કે કર્મચારીઓ પોતાના ફ્રી ટાઈમમાં મૂનલાઈટિંગ કરે અને થોડી વધારે કમાણી કરે તેમાં કંઈ ખોટું નથી. જ્યારે બીજી કંપનીઓનું કહેવું છે કે તેમને ત્યાં પગાર પર હોય તેવા લોકો હરીફો માટે કામ કરે તે ચલાવી ન લેવાય.
મુનલાઇટિંગ અંગે કંપનીઓમાં મતભેદ
આઈટી ઈન્ડસ્ટ્રીમાં મૂનલાઈટિંગનો મુદ્દો ખાસ્સો ચર્ચામાં છે. રિશદ પ્રેમજીએ અગાઉ પણ ટ્વીટ કરીને મૂનલાઈટિંગને ચીટિંગ (છેતરપિંડી) ગણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આ અંગે ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સી ચર્ચા થાય છે. આ તો સીધું અને સ્પષ્ટ ચીટિંગ જ છે. તેમના આ ટ્વીટ અંગે ખાસ્સી પ્રતિક્રિયા આવી હતી.ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેના કર્મચારીઓ અન્ય કંપનીઓના પ્રોજેક્ટ પણ લઈ શકશે.આઇટી કંપની ટેક મહિન્દ્રાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સી પી ગુરનાનીએ પણ કહ્યું કે કર્મચારીઓ સેકન્ડરી જોબ કરે તેમાં તેમને કોઈ વાંધો નથી. જોકે, વિપ્રોની વાત અલગ છે. અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજીએ કહ્યું કે તેમણે મૂનલાઈટિંગ વિશે જે કહ્યું તેના કારણે તેમની ઘણી ટીકા થઈ છે. છતાં હું જે માનું છું તે મેં કહ્યું છે. આઈટી ઈન્ડસ્ટ્રીમાં મૂનલાઈટિંગ સામે સૌથી પહેલા વાંધો ઉઠાવનારા રિશદ પ્રેમજી હતા.