કાશ્મીરને આશરે ત્રણ દાયકાઓ પછી સિનેમાહોલ ખૂલ્યા છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ રવિવારે કાશ્મીરના પુલવામા અને શોપિયા જિલ્લામાં મલ્ટિપર્પઝ સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. અનંતનાગ, શ્રીનગર, બાંદીપોરા, ગાંદરબલ, ડોડા, રાજૌરી, પુંછ, કિશ્તવાડ અને રિયાસીમાં ટૂંક સમયમાં સિનેમા હોલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે ત્રાસવાદને કારણે કાશ્મીરમાં તમામ થીયેટરો વર્ષો પહેલા બંધ થઈ ગયા હતા.
આ પ્રસંગને ઐતિહાસિક ગણાવતા સિંહાએ પુલવામામાં કહ્યું કે, અમે ટૂંક સમયમાં જમ્મુ અને કાશ્મીરના દરેક જિલ્લામાં આવા સિનેમા હોલ બનાવીશું આજે હું આવા સિનેમા હોલ પુલવામા અને શોપિયાંના યુવાનોને સમર્પિત કરું છું. સૌ પ્રથમ અહીં કાશ્મીરમાં જ આંશિક રૂપે શૂટ કરવામાં આવેલી આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઠ્ઠા’ દર્શાવવામાં આવશે.
કાશ્મીરમાં 1990 દાયકામાં પણ કેટલાક થિયેટરોને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, આતંકવાદના કારણે આ પ્રયત્ન સફળ નહોતો થઈ શક્યો. સપ્ટેમ્બર 1999માં આતંકવાદીઓએ લાલચોક પર સ્થિત રીગલ સિનોમા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. 80ના દાયકા સુધી કાશ્મીરમાં આશરે એક ડઝન સિનેમાઘરો હતા, પરંતુ આતંકવાદીઓની ધમકીને કારણે માલિકોએ બંધ કરી દીધા હતા.