પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સોમવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા. કેપ્ટન અમરિંદરે તેમની ‘પંજાબ લોક કોંગ્રેસ’ (PLC) પાર્ટીનું પણ ભાજપ સાથે વિલિનીકરણ કર્યું હતું. કેપ્ટન અમરિંદર સિંહ ગયા વર્ષે નવજોત સિદ્ધુના મુદ્દે કોંગ્રેસ હાઈકમાન સાથે થયેલા સંઘર્ષ બાદ પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધુ હતું અને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. તેમણે નવા પક્ષની રચના કરી વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે મળી લડ્યા હતા. જોકે તેઓ આ ચૂંટણીમાં હારી ગયા હતા.
પંજાબના મુખ્યપ્રધાન સોમવાર, 19 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને મળ્યા હતા.
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે તેમને પક્ષનું સભ્યપદ આપ્યું હતું. કેપ્ટન અમરિંદર સાથે તેમના કેટલાક જૂના સાથી પણ ભાજપ સાથે જોડાયા છે.કેપ્ટન સાથે ભાજપમાં સામેલ થનારા અન્ય અગ્રણીઓમાં પંજાબ મહિલા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ બલવીર રાણા સોઢી, મહલકલાંના ભૂતપૂર્વ એમએલએ હરચાંદ કૌર, અમૃતસર સાઉથના ભૂતપુર્વ એમએલએ હરજિંદર સિંહનો સમાવેશ થાય છે.
આ અગાઉ સોમવારે સવારે કેપ્ટને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ભાજપ પંજાબમાં પાર્ટી પુનર્ગઠનની તૈયારીમાં છે. આ સંજોગોમાં પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલિનીકરણ થઈ ગયા બાદ કેપ્ટન અને તેમના નજીકના સાથીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.