આણંદના અક્ષરફાર્મની પવિત્ર ભૂમિમાં સોમવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો ૮૯મો પ્રાગટ્યોત્સવ સ્વામીજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ દિવ્ય પ્રસંગે સમગ્ર ચરોતર પ્રદેશ, પરપ્રાંત અને વિદેશથી 50,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આસ્થા, કથા ચેનલ અને સંસ્થાની વેબસાઈટ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો લાખો હરિભક્તોએ ઉત્સવનો લાભ પ્રાપ્ત કર્યો હતો. કાર્યકમના અંતે સૌ હરિભક્તો વતી વરિષ્ઠ સંતોએ સ્વામીશ્રીને કલાત્મક હારથી વધાવ્યા હતા. અંતમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષના જયનાદ સાથે સભા પૂર્ણ થઈ હતી.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી આપણા જ સૌ માટે જીવી ગયા, સૌને રાજી કર્યા છે અને બધો યશ ગુરુઓને અને સૌને આપ્યો છે. ભગવાન સર્વ કર્તાહર્તા છે. જે કંઈ કાર્ય કરીએ તે ભગવાનને સંભારીને નિષ્ઠાપૂર્વક અને મહિમા સમજીને કરવું. સત્સંગ કરી આનંદમાં રહેવું. સાથે સમગ્ર માનવજાત તન, મન અને ધનથી સુખી થાય તેવી પ્રાર્થના કરી હતી. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સતત ૩૫ દિવસથી આણંદના અક્ષરફાર્મ ખાતે બિરાજમાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સમગ્ર ચરોતર પ્રદેશના હરોભક્તો- ભાવિકોને સત્સંગ લાભ આપી રહ્યા છે. સ્વામીશ્રીના પાવન સાનિધ્યમાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં સૌ શુભ પ્રેરણા, આનંદ અને નવી ઉર્જા પ્રાપ્ત કરી રહ્યા છે.
આ મંગલમય દિવસના શુભ પ્રભાતે સ્વામીશ્રીએ પ્રાતઃપૂજામાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુવર્યોની ભક્તિવંદના કરીને સૌને શુભ આશિષ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ મંદિર વિસ્તારમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નિવાસ્થાન હોવાથી, આજના શુભ દિવસે મંદિર નજીકના ચોકને “મહંતસ્વામી ચોક” તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
દિવ્ય ગુણોની જે અભિવ્યક્તિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં સૌએ અનુભવી હતી તે સર્વાંગ રીતે તે સાંપ્રત સમયે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજમાં સૌને અનુભવાય છે. બંને ગુણાતીત ગુરુઓના આ ગુણોની સામ્યતાની ગાથા તેમના જીવન પ્રસંગો આધારિત વિદ્વાન સંતો નારાયણમુનિદાસ સ્વામી, આત્મતૃપ્તદાસ સ્વામી, અક્ષરવત્સલદાસ સ્વામી, આનંદસ્વરૂપદાસ સ્વામી, બ્રહ્મવિહારીદાસ સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી તથા ત્યાગવલ્લભ સ્વામિએ સુપેરે વર્ણવી હતી. અંતિમ ચરણમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરવર્યોના ચરણે પુષ્પાંજલી અને આરતી અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું.