અયોધ્યામાં રામમંદિર આંદોલનનના નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજનું સોમવારે જયપુરમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 80 વર્ષ હતી. આચાર્ય ધર્મેન્દ્ર છેલ્લા એક મહિનાથી બીમાર હતા. આચાર્ય ધર્મેન્દ્ર અયોધ્યામાં શ્રીરામ મંદિર આંદોલનમાં સક્રિય હતા. તેમના નિધન અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ અને હિન્દુ સંતોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. .
તેમણે શ્રી રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિશ્વ હિંદુ પરિષદ સાથેના તેમના લાંબા જોડાણ દરમિયાન તેઓ રામ મંદિર મુદ્દે ખુલ્લા વલણને કારણે ચર્ચામાં હતા. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ચુકાદો આવવાનો હતો ત્યારે તેમણે ચુકાદા પહેલા કહ્યું હતું કે, હું આરોપી નંબર વન છું. મેં જે પણ કર્યું છે તે બધાની સામે કર્યું છે. હું સજાથી ડરતો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ થોડા દિવસ પહેલા જ તેમના આરોગ્યની જાણકારી મેળવી હતી. રાજસ્થાન બીજેપીના અનેક નોતા પણ તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આચાર્ય સ્વામી ધર્મેન્દ્રને બે પુત્રો છે સોમેન્દ્ર શર્મા અને પ્રણવેન્દ્ર શર્મા. સોમેન્દ્રની પત્ની અને આચાર્યની વહુ અર્ચના શર્મા હાલમાં ગેહલોત સરકારમાં સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ છે.