વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બરે અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મોદી ગાંધીનગર અને મુંબઈ વચ્ચેની ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ 30 સપ્ટેમ્બરે પ્રારંભ કરાવશે.
અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. મોદી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા છે. આ પ્રસંગે શહેરના થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રે તૈયારીઓ ચાલુ કરી હતી.
દરમિયાન કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે ભારતની ત્રીજી અને ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 સપ્ટેમ્બરે ચાલુ થશે. વડાપ્રધાન મોદી ગાંધીનગર અને મુંબઈ વચ્ચેની આ ટ્રેનને 30 સપ્ટેમ્બરે લીલીઝંડી આપશે.
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, તેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નવરાત્રી પર્વ પર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે.