વડાપ્રધાન મોદીએ 16 સપ્ટેમ્બરે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી તથા હાલમાં વિશ્વમાં ઘેરી વળેલી ફૂડ, ફર્ટિલાઇઝર અને ફ્યુલ સિક્યોરિટી અંગેની ચિંતાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોદીએ આ ટીપ્પણી કરી છે.
મોદીએ જણાવ્યું હતું કે આજનો જમાનો યુદ્ધ નથી અને અને મે તમારી (પુતિન) સાથે ઘણા ફોન કોલમાં આ અંગે વાતચીત કરી છે. આજે આપણને શાંતિના માર્ગ કેવી રીતે પ્રગતિ કરી શકાય તે અંગે ચર્ચા કરવાની તક મળશે. ભારત અને રશિયા ઘણા દાયકાથી એકબીજાની પડખે રહ્યાં છે. આપણે ભારત-રશિયાના દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ મુદ્દા અંગે ફોન પર ઘણીવાર વાતચીત કરી છે. આપણે ફૂડ, ફ્યુઅલ સિક્યોરિટી અને ફર્ટિલાઇઝરની સમસ્યાના ઉકેલના રસ્તા શોધવા જોઇએ. હું યુક્રેનમાંથી આપણા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લાવવામાં મદદ કરવા બદલ રશિયા અને યુક્રેનનો આભાર માનું છું.
વડાપ્રધાન મોદીને જન્મદિનની શુભેચ્છા આપતા પુતિને જણાવ્યું હતું કે તેઓ ભારતની ચિંતાથી વાકેફ છે અને સ્થિતિ અંગે પીએમને માહિતગાર કરતાં રહેશે. પુતિને જણાવ્યું હતું કે મારા પ્રિય મિત્ર આવતીકાલે તમે તમારા જન્મદિન ઉજવી રહ્યાં છો. હું યુક્રેનમાં સંઘર્ષ અંગે તમારું વલણ અને ચિંતા અંગે જાણું છું. આપણે તમામ તેનો શક્ય હોય તેટલો ઝડપથી ઉકેલ ઇચ્છીએ છીએ, પરંતુ યુક્રેન યુદ્ધના મેદાનમાં તેના ઇરાદા હાંસલ કરવા પ્રયાસ કરી રહ્યું છે.