ટેકનોલોજીના લાભોને આપણી જીવનશૈલીમાં આત્મસાત કરવાની બાબત પર ભાર મૂકતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુ યુ લલિતે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને પોતાની જાતમાં પરિવર્તન લાવવાનું, આધુનિક બનાવવાનું અને અનુરૂપ બનવાનું શીખવ્યું છે.
ઓડિશાના 30 જિલ્લામાં પેપરલેસ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ જસ્ટિસ દલિતે જણાવ્યું હતું કે ટેકનોલોજીના ઘણા લાભો છે અને હવે દેશના દુર્ગમ વિસ્તારમાં બેઠેલા લોકો પણ ન્યાય સુવિધાનો લાભ લઈ શકે છે.
પેપરલેસ કોર્ટના ઉદ્ઘાટન સમારંભમાં જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ આર શાહ તથા ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ મુરલીધરણ ઉપસ્થિત રહ્યાં હતા. CJI લલિતે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને પોતાની જાતમાં પરિવર્તન લાવવાનું, આધુનિક બનાવવાનું અને અનુરૂપ બનવાનું શીખવ્યું છે. ટેકનોલોજીના લાભ માત્ર તેના સાક્ષી બનવા માટે નથી, પરંતુ જીવનશૈલીમાં આત્મસાત કરવા માટે છે. તેઓ એવા વાતાવરણમાં ઉછર્યા છે કે જેમાં સંદર્ભ માટે લાઇબ્રેરી અને પુસ્તકો પર નજર કરાતી હતી. તેઓ હજુ પણ ટેકનોલોજીના સંદર્ભમાં નર્સરી સ્કૂલના વિદ્યાર્થી જેવા છે.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ટેકનોલોજી માટે માત્ર ભદ્ર વર્ગ માટે નથી, તે એવા તમામ લોકો માટે છે જેને ન્યાય આપવાનો છે. પેપરલેસ કોર્ટથી વકીલોનો કિંમતી સમય પણ બચશે. વકીલોએ હવે પેપર-બુક ભેગી કરવા અને સંદર્ભગ્રંથો તૈયાર કરવા માટે મોડી રાત સુધી જાગવું પડશે નહીં. પેપરલેસ કોર્ટથી પર્યાવરણને પણ લાભ થશે, કારણ કે કાગળોનો ઓછો ઉપયોગ થશે.