ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 17 સપ્ટેમ્બરે તેમના 72મા જન્મ દિને વિશ્વભરમાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. બોલીવૂડમાંથી પણ ઘણા ફિલ્મકારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. કંગના રનૌતે વડાપ્રધાન મોદી સાથે પોતાની એક તસ્વીર પોસ્ટ કરીને શુભેચ્છા આપી હતી. કંગનાએ એક લાંબી પોસ્ટ લખીને મોદીની જીવનયાત્રાને યાદ કરતા તેમને પૃથ્વીના સૌથી શક્તિશાળી વ્યક્તિ કહ્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, ‘બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચા વેચવાથી લઈને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી, કેવી અવિશ્વસનીય સફર છે… અમે તમારા દીર્ઘાયુ થવાની પ્રાર્થના કરીએ છીએ, પણ રામની જેમ, કૃષ્ણની જેમ, ગાંધીની જેમ તમે અમર છો. હવે હંમેશાં માટે આ દેશ અને આગળની ચેતનામાં અંકિત થઈ ગયા છો. તમને હંમેશાં પ્રેમ મળશે. કોઈ તમારી વિરાસતને મિટાવી નહીં શકે. એટલે જ, હું તમને અવતાર કહું છું… તમને નેતાના રૂપમાં મેળવીને ધન્ય થઇ ગઈ.’ તો બીજી તરફ અક્ષયકુમારે ટ્વીટર પર તેમની સાથેની એક તસ્વીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘તમારી દીર્ઘદૃષ્ટિ, તમારી હૂંફ, તમારી કામ કરવાની ક્ષમતા… કેટલીક એવી બાબતો છે, જે મને પ્રેરણા આપે છે. જન્મ દિનની શુભેચ્છાઓ. તમે સ્વસ્થ અને ખુશ રહો.’