ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના 72મા જન્મ દિને નામિબિયાથી મોકલાવેલા આઠ ચિત્તામાંથી ત્રણને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વોર્ડમાં મુક્ત કર્યા હતા. આથી હવે 74 વર્ષ પછી ભારતમાં ચિત્તા જોવા મળશે. આ ચિત્તાને ખાસ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.
જ્યાંથી તેમને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા કૂનો નેશનલ પાર્ક લઈ જવાયા હતા. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ અમુક મહિના રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે. આ વિસ્તારથી અજાણ છે. કૂનો નેશનલ પાર્કને આ ચિત્તા પોતાનું ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને કેટલોક સમય આપવો પડશે. હું આપણા મિત્ર દેશ નામિબિયા અને ત્યાંની સરકારનો આભાર માનું છું. જેમના સહયોગથી દાયકાઓ બાદ ચિત્તા ભારતની ધરતી પર પરત આવ્યા છે. એ દુર્ભાગ્ય રહ્યું છે કે, આપણે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કર્યા હતા , પરંતુ તેમના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા થાય છે તો આપણુ ભવિષ્ય પણ સુરક્ષિત થાય છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પણ ખુલે છે. કૂનો નેશનલ પાર્કમાં જ્યારે ચિત્તા ફરીથી દોડશે તો અહીંની ગ્રાસલેન્ડ ઈકોસિસ્ટમ ફરીથી રિસ્ટોર થશે અને બાયોડાયવરસિટીમાં વધારો થશે.