દુષ્કાળનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં રાજ્યમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે. રાજધાની લખનઉમાં એક દીવાલ પડવાથી નવ શ્રમિકો દટાયા હતા. છેલ્લાં ૨૪ કલાકમાં ત્યાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઘટના અંગે લખનઉના જોઇન્ટ પોલિસ કમિશ્નર પીયૂષ મોરડીયાએ જણાવ્યું હતું કે, “કેટલાક શ્રમિકો દિલકુશ વિસ્તારમાં આર્મી એન્ક્લેવની બહાર રહેતા હતા. રાતે ભારે વરસાદને કારણે આર્મી એન્ક્લેવની દીવાલ પડી થઈ હતી. અમે વહેલી સવારે ત્રણ વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા હતા. કાટમાળમાંથી નવ શબ કાઢવામાં આવ્યા હતા. એક વ્યક્તિને બચાવી લેવાયો હતો.” તમામ નવ મૃતકો ઝાંસી જિલ્લાના હતા.