Kejriwal promised a corruption-free government in Gujarat
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ સોમવારે રાત્રે ઘાટલોડિયા વિસ્તારમાં એક રિક્ષા ચાલકના ઘરે ભોજન કર્યું હતું. (ANI Photo/AAP Gujarat Twitter)

ગુજરાતના વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ રાજ્યમાં સત્તા પર આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપશે.

અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે બે મહિના બાકી છે, બીજેપી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે. હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરું છું, તેમજ વકીલો, ઓટો ડ્રાઇવરો, ખેડૂતો, વેપારીઓને મળ્યો છું. દરેકે કહ્યું કે, ગુજરાતમાં ખૂણે ખૂણે ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો છે. જો તમારે કોઈપણ સરકારી વિભાગમાં કામ કરાવવું હોય તો તમારે પૈસા ચૂકવવા પડે છે. નીચલા સ્તરે પણ ભ્રષ્ટાચાર છે, ઉપરના સ્તરે પણ આક્ષેપો થયા છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે જો તમે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો તો ડરાવવા અને ધમકાવવામાં આવે છે. રેબાજુ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી છે. આજે અમે ગેરંટી આપીએ છીએ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત શાસન આપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે જો AAPની સરકાર બનશે તો સરકારમાં દરેક વ્યક્તિનું દરેક કામ કોઈપણ લાંચ વગર થશે. એવી વ્યવસ્થા કરશે કે, તમારે કામ કરાવવા જવું નહીં પડે, તમારા ઘરે સરકાર આવશે. દિલ્હીમાં ડોરસ્ટેપ ડિલિવરી સ્કીમ લાગુ છે.

કેજરીવાલે અમદાવાદમાં રીક્ષાવાળાને ત્યાં ભોજન કર્યું

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ સોમવારે રાત્રે ઘાટલોડિયા વિસ્તારમાં એક રિક્ષા ચાલકના ઘરે ભોજન કર્યું હતું. ડિનર પછી કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમદાવાદમાં ઓટો ચાલક વિક્રમભાઈ દંતાણી ઘણા પ્રેમથી પોતાના ઘરે જમવા લઈ ગયા. આખા પરિવાર સાથે મુલાકાત કરાવી. સ્વાદિષ્ટ ભોજનની સાથે ઘણો આદર-સત્કાર કર્યો. આ અપાર સ્નેહ માટે વિક્રભાઈ અને ગુજરાતના બધા ઓટો ચાલક ભાઈઓનો હૃદયપૂર્વક આભાર.’ કેજરીવાલ માટે રિક્ષાચાલકના ઘરે દૂધીનું શાક, રોટલી, દાળ અને ભાત બનાવાયા હતા. અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ તાજમાં રોકાયેલા અરવિંદ કેજરીવાલ સોમવારે રાત્રે ઓટો રિક્ષામાં બેસીને ડિનર માટે નીકળ્યા હતા.ઓટો ચાલક વિક્રમભાઈ દંતાણી તેમને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા.

LEAVE A REPLY